અમદાવાદઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, વધારાની 85 બસો દોડાવાશે

Text To Speech

અમદાવાદ, ૨૧ ફેબ્રુઆરી: ૨૦૨૫: ગુજરાત એસ ટી નિગમ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પરિવહનમાં અગવડતા ન પડે અને વહેલીતકે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા દરમિયાન વધારાની 85 બસો દોડાવાશે.

રાજ્યમાં આગામી 27 ફેબ્રુઆરી 2025થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC) પરીક્ષા શરુ થવાની છે. ત્યારે વિદ્યાર્થી માટે વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, ‘એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે.

વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે ખાસ રૂટ અને સમયપત્રક તૈયાર કરવામાં આવ્યા છે, જેથી તેઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે. હાલમાં 85 જેટલી વધારાની બસો સંચાલિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માંગણી આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એસ.ટી. નિગમ તૈયાર છે અને જરૂરિયાત મુજબ વધારાની બસો ઉપલબ્ધ કરાવશે. જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને, પરીક્ષા કેન્દ્રોના નજીકના બસ સ્ટેન્ડ અને સ્ટોપેજ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

આ પણ વાંચો….અમદાવાદ: આસ્ટોડિયામાં રૂ.1.81 લાખના MD ડ્રગ્સ સાથે યુવકને ઝડપી લેવાયો

Back to top button