અમરેલી: લાઠી, લીલીયા અને બાબરા તાલુકાના ગામોને નિયમિત ધોરણે પીવાનું પાણી અપાશે


ગાંધીનગર, 21 ફેબ્રુઆરી : રાજ્યના તમામ ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. અમરેલી જિલ્લાના લાઠી, લીલીયા અને બાબરા તાલુકાના ૫૬ ગામોને જૂથ સુધારણા યોજના હેઠળ નિયમિત ધોરણે પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના માટે અંદાજિત રૂ. ૮૯.૩૩ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ યોજના બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે તેમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું.
જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ જૂથ સુધારણા યોજના થકી અંદાજે ૧.૪૩ લાખ જેટલા નાગરિકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે. હાલમાં આ જૂથ સુધારા યોજનાની કામગીરી પ્રગતિમાં છે. આ યોજના હેઠળ ૦૯ ઉંચી ટાંકીઓ, ચાર ભૂર્ગભ સંપ, ૪ પંપીંગ સ્ટેશન તેમજ ક્લોરિનેશન રૂમ તૈયાર કરવામાં આવશે. આ માટે ૭૧ કિ.મીની મુખ્ય પાઇપ લાઇન તેમજ પાણી વિતરણ માટે ૧૩૦ કિ.મીની પાઇપ લાઇન સહિત કંમ્પાઉન્ડ વોલ અને સ્ટાફ ક્વાટર્સ બનાવવામાં આવશે.
મંત્રી કુંવરજીભાઈએ પેટા પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું હતું કે, અગાઉ અમરેલી જિલ્લાનો આ ભાગ ખારા પાટ તરીકે ઓળખાતો હતો, હાલમાં જૂથ સુધારણા યોજના અંતર્ગત ઈશ્વરીયા જૂથમાં ૧૧ ગામોની અંદાજે ૨૭ હજારની વસ્તી, બાબરા જૂથમાં ૩૫ ગામોની ૮૪ હજારની વસ્તી તેમજ લીલીયા જૂથમાં ૧૮ ગામોની ૩૨ હજારની વસ્તીને પાણી પહોંચાડવામાં આવે છે તેમ મંત્રી કુંવરજીભાઈએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો :- તાપી-કરજણ લીફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ : ટૂંક સમયમાં કરાશે લોકાર્પણ, સુરત-નર્મદા જિલ્લાને થશે ફાયદો