અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મોટો નિર્ણય


- અત્યારસુધી સસ્પેન્ડ થયેલા ડોક્ટરોનો આંક 3 થયો
- લાઈસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો
- લાઈસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં સરંડર કરવા સૂચના આપી દેવાઈ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ ડૉ. સંજય પટોળિયા અને ડૉ. શૈલેષ આનંદનું તબીબ તરીકેનું લાયસન્સ 3 વર્ષ માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયું છે.
લાઈસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો
ખ્યાતિકાંડ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સીલ દ્વારા અત્યારસુધી સસ્પેન્ડ થયેલા ડોક્ટરોનો આંક 3 થયો છે. અગાઉ ડો. પ્રશાંત વજીરાણીને પણ સસ્પેન્ડ કરાયા હતા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં બેદરકારી સામે આવ્યાના 3 મહિના અને તે મામલે ધરપકડ થયા ને 2 મહિના બાદ આખરે ગુજરાત મેડિકલ કાઉન્સિલ જાગ્યું છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલની જનરલ બોડી મીટિંગ ડો. નીતિન વોરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડ સાથે સંકળાયેલા ડો. સંજય મુળજીભાઇ પટોળિયા (એમબીબીએસ- એમ.એસ. સર્જરી), ડો. શૈલેષકુમાર અમૃતલાલ આનંદ (એમબીબીએસ-ડી.સી.એમ.)નું લાઈસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.
લાઈસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં સરંડર કરવા સૂચના આપી દેવાઈ
ગુજરાત મેડિકલ કાઉન્સિલના પાસેથી પ્રાપ્ત માહિતી અનુસારક, આ મામલે અત્યાર સુધીમાં ડો.પ્રશાંત વજીરાણીનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો. પટોળિયા અને ડો.આનંદની સંડોવણી પણ બહાર આવી હતી. જે મામલે તપાસ કરી રહેલાં પીએમજેએવાય યોજનાના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. યુ. બી. ગાંધી અને સાત સભ્યોની કમિટીએ તેમનો રિપોર્ટ ગુજરાત મેડિકલ કાઉન્સિલને આપ્યો હતો. આ રીપોર્ટને આધારે ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ 1967 સેક્શન 22 (1) (બી)(આઈ) હેઠળ થયેલી જોગવાઇ પ્રમાણે બંને તબીબના લાઈસન્સ સસ્પેન્ડ કરાયા છે અને આ લાઈસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં સરંડર કરવા સૂચના આપી દેવાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતના 4 મોટા શહેરોમાં લાગુ થયો પોલીસનો ‘SHASTRA’ પ્રોજેક્ટ