બ્રહ્માકુમારી દ્વારા માઉન્ટ આબુથી પાલનપુર 200 બાઇક સાથે યોજાઈ તિરંગા રેલી
પાલનપુર: “આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા સવર્ણિમ ભારતની સ્થાપના માટે, દેશની રક્ષા, એકતા અને ગૌરવ માટે આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખર પર ભારત છે. ત્યારે ત્રિ દિવસીય તિરંગા મહોત્સવમાં ઘર ઘર તિરંગો લહેરાવી સર્વ પોતાની ફરજ અદા કરે” તેમ બ્રહ્માકુમારીના વડા ડો. દાદી રતનમોહિનીજી એ માઉન્ટ આબુ થી પાલનપુર સુધીની તિરંગા બાઇક રેલીને પ્રસ્થાન કરાવતા સમયે જણાવ્યું હતું.
સાઈઠ કિલોમીટરની બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
બ્રહ્માકુમારી મીડિયાના શશીકાંત ત્રિવેદી એ જણાવ્યું હતું કે, સવારે 10:30 કલાકે માઉન્ટ આબુ થી નીકળેલી આ રેલી સમયે વચ્ચે રસ્તામાં આવતા લોકોને તિરંગાની પ્રેરણા આપતા અને ભારત માતાની જય બોલાવતા બપોરે 12:30 કલાકે પાલનપુર પહોંચી હતી. જ્યાં પાલનપુર સેવા કેન્દ્રના સંચાલિકા અને શહેરીજનોએ રેલીમાં આવેલા 200 બાઈક ચાલકોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ, પાલિકાના પ્રમુખ હેતલબેન રાવલ અને બનાસ ડેરીના એમ.ડી. સંગ્રામસિંહ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મહાનુભાવોએ જણાવ્યું હતું કે, અનેક બલિદાનનો પછી દેશને સ્વતંત્રતા મળી છે. ત્યારે આ રેલી માનવ સમુદાયને તિરંગાના મહત્વ સાથે પ્રેરણા આપશે. બ્રહ્માકુમારી સંસ્થાના પાલનપુરના સંચાલિકા બ્રહ્માકુમારી ભારતીબહેને ઉપસ્થિત સર્વેનું આ પ્રસંગે મોં મીઠું કરાવ્યું હતું.