રાજ્યપાલના પ્રવચન અને શોક ઠરાવ સાથે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, કાલે કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે


ગાંધીનગર, 19 ફેબ્રુઆરી : આજથી ૧પ મી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે. રાજયના નાણા વિભાગ દ્વારા આગામી વર્ષ માટે બજેટની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી ગઇ છે. રાજયના નાણામંત્રી કનુભાઇ દેસાઇ આવતીકાલે અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. અત્રે એક વાત યાદ કરવી જરૂરી છે. પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાનો રેકોર્ડ કોઇ તોડી શકે તેવું દેખાતું નથી. વજુભાઇએ ૧૮ વખત બજેટ રજૂ કર્યુ હતું. આ વખતે બજેટનું કદ રૂપિયા ૩ લાખ કરોડ જેટલુ રહેવાની ધારણા છે.
આજથી શરૂ થયેલું વિધાનસભાનું બજેટ સત્ર આજે ૧ર વાગે ગૃહની કામગીરીથી શરૂ થયું હતું. સૌ પ્રથમ રાજયપાલના સંબોધન બાદ ૧પ મિનીટનો વિરામ પડયો હતો. વિરામ બાદ રાજયપાલના સંબોધન બાદ રાજયપાલના સંબોધન માટેનો આભાર પ્રસ્તાવ રજૂ થયો હતો. રાજયપાલના આભાર પ્રસ્તાવ બાદ શોક દર્શક ઉલ્લેખોની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં સૌ પ્રથમ ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ, કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગુજરાત ટુરિઝમના પૂર્વ ચેરમેન કમલેશ પટેલ અને નેમજીભાઇ કેમીયાના પરિવારને શ્રધ્ધાંજલી આપતા શોક ઠરાવ પસાર કરવામાં આવશે.
આ સત્રમાં વિપક્ષની સંખ્યાબળ નથી એટલે સત્રમાં ધાંધલ-ધમાલનો પ્રશ્ન બહુ રહેશે નહી આમ છતાં પોલીસ તંત્રનો બંદોબસ્ત પૂરતો કરવામાં આવી ગયો છે. બીજી તરફ નજર કરીએ તો સત્તાધારી પક્ષના ધારાસભ્યોમાં નારાજગીનુ પ્રમાણ છે. છેલ્લા એક દશકાથી કોઇ બોર્ડ નિગમમાં ચેરમેન અગર ડાયરેકટરની વરણી કરવામાં આવી નથી આની અસર કેવી પડે છે. તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો :- ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્ર શરુ, ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું