કોમી એકતાની મિશાલ બની સુરતની ત્રિરંગાયાત્રા
15 ઓગસ્ટ જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે લોકોના દેશ પ્રેમનો રંગ પણ સામે આવી રહ્યો છે. સુરતમાં અડાજણ વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસેથી મુસ્લિમ સમાજ દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં કોમી એકતાના દર્શન થયા હતા. સુરત શહેરમાં આવેલ હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સુરતના અડાજણ ખાતેથી ત્રિરંગા સન્માન યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મંત્રી પૂર્ણશ મોદી, સુરત મેયર હેમાલી બોઘાવાલા, કે પી હ્યુમન ફાઉન્ડેશનના ચેરમેન ફારૂક પટેલ તેમજ ભાજપ નેતા અને પૂર્વ ડે.મેયર નીરવ શાહ જેવા મહાનુભાવો આ યાત્રામાં જોડાયા હતા.
આ યાત્રામાં શહેરના મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો,વિદ્યાર્થીઓ સાથે જ સુરત શહેરની અલગ અલગ સંસ્થાના આગેવાનો આ ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ખુબ જ વિશાળ ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં દરેક ધર્મના આગેવાનો આ યાત્રામાં તેમની આગેવાનીમાં વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી. આ યાત્રામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું એ હતું કે રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.
મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનોએ મોટી સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં ભાગ લઈને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. દેશમાં 13 થી 15 ઓગસ્ટ સુધી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે દેશ એકજૂથ થઈને આગળ વધી રહ્યો છે તેના દર્શન ત્રિરંગા યાત્રામાં જોવા મળી રહ્યા છે.