કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કવિ સંમેલનમાં ગાંધીજીના વિરોધરૂપ કવિતાનું પઠન કરનાર મધ્યપ્રદેશના કવિ સામે ફરિયાદ દાખલ કરવા પોલીસમાં અરજી

Text To Speech

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં યોજાયેલા અખંડ કવિ સંમેલનમાં મહાત્મા ગાંધીના વિરોધરૂપ કવિતાના પઠનથી વિવાદ સર્જાયો છે. જેમાં ગાંધીજીને ‘આઝાદી કે નાયક થે તુમ કૈસે ખલનાયક જીત ગયે’ કહેતા મધ્યપ્રદેશના કવિ સામે ગાંધી પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોંગ્રેસના પદાધિકારીઓને સાથે રાખી ગાંધીજી માટે નબળી વાત રજૂ કરનાર કવિ દેવકૃષ્ણ વ્યાસ સામે પોલીસ ફરિયાદ કરવા માટે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.

24 કલાક કવિતા પઠન કર્યું હતું

ગત 31 જુલાઇ 2022ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં કાર્યરત ગુલાબદાસ બ્રોકર ચેર દ્વારા અખિલ ભારતીય શૈક્ષિક સંઘ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે અખંડ કાવ્ય સંમેલન યોજાયું હતું. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 કવિઓએ સતત 24 કલાક કાવ્ય પઠન કર્યુ હતું. જેમાં મધ્યપ્રદેશના દેવાસના કવિ દેવકૃષ્ણ વ્યાસની કાવ્ય પંક્તિથી વિવાદ સર્જાયો છે.

ગુજરાત પ્રોફેશનલ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોંગી પદાધિકારીઓને સાથે રાખી રાજકોટ યુનિવર્સિટી પોલીસમાં અરજી કરવામાં આવી છે. જેમાં તેમને જણાવ્યું છે કે, ગુલાબદાસ બ્રોકર ચેર અને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંધ સહિતની સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે અખંડ કાવ્ય મહાકુંભ યોજવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા જુદા જુદા કવિઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતુ. જેમાં મધ્યપ્રદેશના કવિ દેવકૃષ્ણ વ્યાસે મહાત્મા ગાંધીને અપમાનિત કરતું કાવ્ય રજૂ કર્યું હતું. આ કાવ્યની રજૂઆત સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું ધ્યાન દોર્યા બાદ તેમના દ્વારા કોઈ પગલાં ન લેવાતા ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ નિદત્ત બારોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલીયા અને હરદેવસિંહજી જાડેજા દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કવિ સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે.

મધ્યપ્રદેશના કવિ દેવકૃષ્ણ વ્યાસ ગાંધીજીને અનુલક્ષીને કવિતા લલકારી હતી. જેના શબ્દો આ મુજબ હતા “સુભાષ કા ઉપહાસ ઉડાયા ઔર નહેરુ સે મોહ કિયા; આઝાદી કે નાયક થે તુમ કૈસે ખલનાયક જીત ગયે,માતા કે બટવારે કો સાલ પચ્ચતર બિત ગયે; હમે અધૂરી દી આઝાદી, બિના ખડગ ઔર ઢાલ કી”.

Back to top button