CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી લોન્ચ
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/Policy-_20250211_125826_0000.jpg)
ગાંધીનગર, 11 ફેબ્રુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (GCC) (2025-30)નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચીંગ કર્યુ હતુ. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવીટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે. મુખ્યમંત્રીએ આ પોલિસીનું લોન્ચીંગ ગિફ્ટ સિટીના મેનેજીંગ ડિરેક્ટર તપન રે તેમજ નિતી આયોગના ડિરેક્ટર દેબજાની ઘોષ અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર તથા આમંત્રીત ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતીમાં કર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતમાં સેક્ટર સ્પેસીફિક પોલિસીઝ ફ્રેમવર્કથી નવા અને ઈમર્જીંગ સેક્ટરના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ ઉભું કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનના પદચિહ્નો પર ચાલતાં વર્તમાન સરકારે પણ પાછલા 3 વર્ષોમાં સેમીકન્ડક્ટર પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, IT અને ITeS પોલિસી, ટેક્ષટાઇલ પોલિસી, રીન્યુએબલ એનર્જી પોલિસી તથા બાયોટેક્નોલોજી પોલિસી જેવી ઈમર્જીંગ સેક્ટર્સની અનેક પોલિસીઝ જાહેર કરી છે.
રાજ્યના પોલિસી ડ્રીવન ગ્રોથની કડીમાં આગળ વધતાં હવે ૨૦૨૫થી ૩૦ના પાંચ વર્ષ માટે નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર (GCC) પોલિસીની તેમણે જાહેરાત કરી હતી. આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર્સ માટે રોજગાર સહાય, વ્યાજ સહાય, ઇલેક્ટ્રીસિટી રીએમ્બર્સમેન્ટ સહિત વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે. આ પોલિસીને પરિણામે રાજ્યમાં હવે ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો થયો છે તેમ પણ તેમણે જણાવ્યું હતુ.
ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇનોવેશન અને બિઝનેસ રિજ઼િલીઅન્સ ને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, શરૂઆતમાં કોસ્ટ સેવિંગ યુનિટ તરીકે બનાવવામાં આવેલા GCCs હવે સ્ટ્રેટેજીક ઇનોવેશન હબ બની ગયા છે અને ટેકનોલોજી, ફાઇનાન્સ, એનાલિટિક્સ એન્જીનિયરિંગ અને R&D જેવા વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત કુશળ માનવ સંસાધન અને પ્રગતિશીલ નીતિ માળખા સાથે, GCC ઇકોસિસ્ટમમાં ગ્લોબલ લિડર તરીકે સ્થાપિત થયું છે.
પોલિસીની મુખ્ય વિશેષતાઓ
- પોલિસી અંતર્ગત ગુજરાતમાં ઓછામાં ઓછા 250 નવા GCC યુનિટ્સ સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આનાથી રાજ્યમાં 50,000થી વધુ નવી નોકરીઓ ઉભી થશે.
- GCC પોલિસીને પરિણામે રાજ્યમાં રૂ.10,000 કરોડથી વધુનું રોકાણ પણ થશે.
- પોલિસી રૂ.250 કરોડથી ઓછા GFCI ધરાવતા એકમો માટે રૂ.50 કરોડ સુધીની અને રૂ.250 કરોડથી વધુ GFCI ધરાવતા એકમો માટે રૂ.200 કરોડ સુધીની CAPEX સહાય પૂરી પાડશે.
- પોલિસી રૂ.250 કરોડથી ઓછા GFCI ધરાવતા એકમો માટે રૂ.20 કરોડ સુધીની અને રૂ.250 કરોડથી વધુ GFCI ધરાવતા એકમો માટે રૂ.40 કરોડ સુધીની OPEX સહાય પૂરી પાડશે.
- GCC પોલિસી અંતર્ગત રોજગાર સર્જન માટે વિશેષ પ્રોત્સાહનો પણ આપવામાં આવશે, જેમાં નવા સ્થાનિક કર્મચારીઓને ભરતી કરીને તેમને ઓછામાં ઓછા એક વર્ષ સુધી જાળવી રાખવા માટે એક વખતની સહાય આપવામાં આવશે, તે એક મહિનાના CTCના 50% જેટલી હશે. તેમાં પુરુષ કર્મચારીઓ માટે રૂ. 50,000 અને મહિલા કર્મચારીઓ માટે રૂ. 60,000 સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- સ્પેશિયલ ઇન્સેટિવ પોલિસી હેઠળ,ટર્મ લોન પર 7% વ્યાજ સબસીડીરૂપે સહાય આપવામાં આવશે જે મહત્તમ રૂ. 1 કરોડની મર્યાદામાં રહેશે.
- આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય યોજના,કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ હેઠળ એમ્પ્લોયરના કાયદાકીય યોગદાન અંગે વળતર આપશે,જેમાં મહિલા કર્મચારીઓ માટે 100% અને પુરુષ કર્મચારીઓ માટે 75% સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- ગુજરાત સરકારને ચૂકવવામાં આવેલ ઈલેક્ટ્રીસીટી ડ્યુટીની સંપૂર્ણ રકમ પણ પરત કરવામાં આવશે.
- GCC પોલિસી સ્થાનિક પ્રતિભા અને વર્કીંગ પ્રોફેશનલ્સના કૌશલ્ય વધારવાનો પણ હેતુ ધરાવે છે જેમાં વર્કીંગ પ્રોફેશનલ્સ માટે અભ્યાસક્રમ ફીના 50% સુધી અને અંડરગ્રેજ્યુએટ/ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ ફીના 75% સુધીના પોલિસી ઈન્સેન્ટીવ્સનો સમાવેશ થાય છે.
- એલિજીબલ યુનિટ્સને ક્વોલિટી સર્ટિફિકેશન માટે સહાય મળશે, જેમાં રૂ.10 લાખની મર્યાદામાં ક્વોલિટી સર્ટિફિકેશન ફીના 80% સુધીનો ખર્ચ આવરી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો :- હજ યાત્રા અંગે મોટા સમાચાર, સાઉદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું છે