છેતરપિંડીના કેસમાં અમદાવાદની બેંક ઓફ ઈન્ડિયાના તત્કાલીન ચીફ મેનેજરને 3 વર્ષની જેલ
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/Judgement.jpg)
- સીબીઆઈ કોર્ટે રૂ.1.5 લાખનો દંડ પણ ફટકાર્યો
અમદાવાદ, 11 ફેબ્રુઆરી : અમદાવાદ સ્થિત સીબીઆઈ કેસ માટેના ખાસ ન્યાયાધીશે બેંક છેતરપિંડીના એક કેસમાં બેંક ઓફ ઈન્ડિયા, એસએમ રોડ શાખા, અમદાવાદના તત્કાલીન ચીફ મેનેજર આરોપી જીવનગીન શ્રીનિવાસ રાવને 1.5 લાખ રૂપિયાનો દંડ અને 3 વર્ષ કેદની સજા ફટકારી છે.
સીબીઆઈએ 30.10.2023ના રોજ બેંક ઓફ ઈન્ડિયા, એસએમ રોડ બ્રાન્ચ, અમદાવાદના તત્કાલીન ચીફ મેનેજર અને અન્ય લોકો સામે છેતરપિંડી, ક્રેડિટ સુવિધા/લોન મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવો, મૂલ્યવાન સિક્યોરીટીની બનાવટ કરવા તેમજ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનાહિત ગેરવર્તણૂકના ગુના માટે કેસ નોંધ્યો હતો.
આ ઉપરાંત એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપી ખાનગી વ્યક્તિઓએ નકલી કોલેટરલ સિક્યોરિટી રજૂ કરી હતી અને મશીનરીના સપ્લાયરના નામે ખાતું પણ ખોલાવ્યું હતું. તેમજ મશીનરી ખરીદવા માટે બેંકમાંથી જારી કરાયેલા ઉપરોક્ત ખાતામાં ચેક જમા કરાવ્યો હતો. આરોપી જાહેર સેવકે ક્રેડિટ સુવિધા મંજૂર કરતી વખતે યોગ્ય તપાસ કરી ન હતી અને ઉધાર લેનાર દ્વારા રજૂ કરાયેલ નકલી કોલેટરલ સિક્યોરિટી સંબંધિત દસ્તાવેજોનો પણ નાશ કર્યો હતો.
તપાસ દરમિયાન, એવું પણ બહાર આવ્યું કે આરોપી જાહેર કર્મચારી જે.એસ.રાવે ષડયંત્ર અંતર્ગત આરોપીઓને 30 લાખ રૂપિયાની કાર્યકારી મૂડી, 25 લાખ રુપિયાની એલસી અને 25 લાખ રૂપિયાની ટર્મ લોન તરીકે બનાવટી અને બોગસ કોલેટરલ સિક્યોરિટીના આધારે લોન મંજૂર કરી હતી. આ રીતે બેંકને ખોટું નુકસાન પહોંચાડ્યું અને લાભાર્થીને 80 લાખ રૂપિયાનો ખોટો ફાયદો કરાવ્યો હતો.
આ ઉપરાંત એવો પણ આરોપ લગાવ્યો કે આરોપી જે.એસ. રાવે લોન આપતી વખતે આરોપી ખાનગી પેઢી અને તેની વ્યવસાયિક પ્રવૃત્તિઓ વિશે યોગ્ય પૂર્વ-મંજૂરી અને પછીની પૂછપરછ કરી ન હતી. આરોપી જે.એસ. રાવના ગુનાહિત કૃત્યોથી એ હકીકત પ્રકાશમાં આવી હતી કે ડિફોલ્ટર આરોપી ખાનગી પેઢી દ્વારા આપવામાં આવેલી કોઈપણ નવી સિક્યોરિટીઝ સ્વીકારતી વખતે વધુ કાળજી લેવાની જરૂર હતી. જ્યારે તેમને સ્પષ્ટ થઈ ગયું હતું કે ખાનગી પેઢીએ અગાઉ કોલેટરલ સિક્યોરિટીના બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હતા.
જો કે ગુનાહિત ષડયંત્રને આગળ ધપાવવા માટે આરોપી જે.એસ. રાવે ગાંધીનગરના કલોલ તાલુકાના વાયણા ગામનો બોગસ પ્લોટ ગીરો લીધો હતો. તપાસ પૂર્ણ થયા પછી, સીબીઆઈ દ્વારા 23.12.2005ના રોજ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં તેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે સુનાવણી પછી આરોપીને દોષિત ઠેરવ્યા અને તેને તે મુજબ સજા ફટકારી છે.
આ પણ વાંચો :- શ્રી વાજપાઇ બેંકેબલ યોજના : જાણો ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં કેટલી સબસીડી સહાય અપાઈ