ગુજરાતચૂંટણી 2022

આજથી મતદારો આઇડી સાથે મતદાર યાદીમાં નામ સુધારણાનું ફોર્મ ભરી શકશે

Text To Speech

આગામી સપ્ટેમ્બર મહિનાના અંતમાં તંત્ર ઇલેકશન મોડમાં આવી જશે. આજથી સમગ્ર રાજ્યમાં મતદારો માટે નવા ફોર્મ અને નામ, સરનામા, અટક સહિતની સુધારણાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. 1 ઓકટોબર સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારને વિધાનસભાની ચૂંટણીમાં મતાધિકાર પ્રાપ્ત થશે. નવા મતદારો માટે અગાઉ ફોર્મ નં-6 ભરવામાં આવતું હતુ તેની બદલે હવે આધાર સિડિંગ માટે ફોર્મ નં-6(બી) ઓનલાઇન પણ લિન્કઅપ થઇ શકશે. આશરે એક મહિના સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલશે. જૂના મતદારોને મતદાર ઓળખપત્ર સાથે આધાર કાર્ડ સીડિંગ કરવાની તક મળશે.

આવતી વિધાનસભા ચૂંટણી માટે તંત્રની કામગીરી, કોઈ રહી ન જાય તેવા આદેશ
અત્રે એ ઉલ્લેખનિય છે કે, જુલાઇ મહિનામાં બીએલઓ 15 દિવસ સુધી ડોર ટુ ડોર ફરી નવા તેમજ યુવા મતદારોના નામ ઉમેરવા, રદ કરવા બાબતના ફોર્મ ઉઘરાવી આપ્યા હતા. પરિણામે તા. 1-1-2022થી અત્યાર સુધીમાં 18 વર્ષ પુરા કરનાર નવા મતદારોનો મતદારયાદી સુધારણા હેઠળ નામનો ઉમેરો થઇ જશે. આ ઉપરાંત મૃત્યુ પામેલા મતદારોના નામ કમી કરવા સહિતની કામગીરી પણ બીએલઓએ કરી હતી. હાલ જે નવા ફોર્મ આપ્યા છે તે 1-10-22ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારને જ ફોર્મ અપાય તેવી ટોંચના સૂત્રોમાંથી માહિતી મળી છે. અગાઉ બીએલઓ ડોર ટુ ડોર 15 દિવસ મતદારોના ઘરે ગયા તેમાં 1 ઓકટોબર 2022માં 18 વર્ષ પૂર્ણ થનારા 20 હજાર યુવા મતદારોની સંખ્યા વધી ગઇ હોવાનું જાણવા મળે છે. સાથોસાથ નવ હજાર મૃતકોના નામ યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આવતા ત્રણ મહિનામાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખી આ કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ કામગીરી દરમ્યાન કોઈ બાકાત ન રહીં જાય તેની પણ સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.
આધાર લિન્ક માટેનું ફોર્મ નં-6(બી) નવું આવ્યું છે
મતદારો આઇડી સાથે આધાર સીડિંગ કરાવી શકે તે માટે ફોર્મ નંબર-6(બી) નવુ આવ્યું છે. ફરજિયાત ન હોવાનું અને મતદાર ઇચ્છે તો આ ફોર્મ ભરી શકે છે તેમ પ્રાથમિક દ્રષ્ટિએ ચૂંટણી વિભાગના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. મતદાર આધાર સીડિંગની તક માટે ઓનલાઇન વિકલ્પ પણ અપનાવી શકે છે. ફોર્મ નં-7 અવસાન પામ્યા હોય તેવા મતદારો માટે છે જ્યારે નવા (યુવા) મતદારો કે જેઓની 1લી ઓકટોબરે 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેના માટે ફોર્મ નંબર-6 ભરવું જરુરી છે. એન.આર.આઇ. મતદાર તરીકે નોંધણી માટે ફોર્મ નં-6 (ક) ભરવાનું રહેશે.
Back to top button