એજ્યુકેશનગુજરાત

રાજ્યની 32 હજારથી વધુ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન યોજવા આદેશ

Text To Speech

આગામી બે દિવસ બાદ સ્વતંત્રતા પર્વના દિવસે પ્રાથમિક શાળાના બાળકોનું ભણતર સુધારવા માટે થઈને રાજ્યની 32,444 પ્રાથમિક શાળામાં વાલી સંમેલન યોજવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે 15 ઑગસ્ટે વાલી સંમેલન યોજવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. આ વાલી સંમેલનમા બાળકોની શાળામાં હાજરીથી લઇને શિક્ષણની ગુણવત્તા વિષય પર ચર્ચા કરવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા 1.94 કરોડનો ખર્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. એક વાલી સંમેલન દીઠ સરકારી શાળાઓને રૂ. 300 જ્યારે KGVB શાળાદીઠ રૂ. 600 અપાશે. આમ આ સંમેલન માટે શિક્ષણ વિભાગ 1.94 કરોડ રૂપિયા ખર્ચશે. આમ સમગ્ર રાજ્યની 32267 પ્રાથમિક શાળા માટે રૂ. 1.30 કરોડ અને 177 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીવીબી)ની શાળા માટે રૂ. 64.88 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે.

વાલી સંમેલનમાં શું ચર્ચા થશે ? કોને બોલાવવામાં આવ્યા છે ?
15 ઑગસ્ટે યોજાનારા વાલી સંમેલનમાં સમગ્ર શિક્ષાની અલગ-અલગ પ્રવૃત્તિની ચર્ચા કરવા ઉપરાંત શાળાનો સંપૂર્ણ શૈક્ષણિક વિકાસ થાય તે વિશે ચર્ચા-વિચારણા અને ચિંતન કરવામાં આવશે. બાળકોના પ્રવેશમા નિયમિતતા, શિક્ષણની ગુણવત્તા, 6થી 14 વયના શાળા બહારનાં બાળકોના પ્રવેશ અને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, સિઝનલ હોસ્ટેલ તેમજ સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ.વિશિષ્ટ જરૂરિયાતવાળાં બાળકોને સાધનસામગ્રીની પ્રાપ્તિ થતાં તેના ઉપયોગની જાણકારી, ટ્રાન્સપોર્ટ તથા એસ્કોર્ટની સગવડતાનું યોગ્ય આયોજન, ડ્રોપ આઉટ અને કન્યા શિક્ષણ માટે ચિંતન, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ કાર્યક્રમ  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત, વૃક્ષારોપણ, જળસંચય, ગ્રીન સ્કૂલ, કમ્પ્યુટર લેબ, નવી શિક્ષણ નીતિ, મોડેલ સ્કૂલ અને મોડેલ ડે સ્કૂલ.અંગેની વાલીઓ સાથે ચર્ચા કરવાની રહેશે. આ વાલી સંમેલન માટે એસએમસીએમસીના સભ્યો તેમજ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ, સ્થાનિક વડીલ આગેવાન, ગામના રોલ મોડેલ, પ્રેરક અને કર્મનિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા કેળવણીકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
Back to top button