ડીસાના યુવકની છરીની અણીએ ગોંધી રાખી એક લાખની ખંડણી માંગી, ત્રણ ખંડણીખોરો ઝડપાયા
પાલનપુર:છેલ્લા કેટલાક મહિનાઓથી ડીસામાં ગુનેગારીનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે. અપહરણ અને ખૂન જેવી ઘટનાઓ હવે વધી રહી છે. ત્યાં જ વધુ એક યુવાનનું અપહરણ કરીને રૂપિયા એક લાખની ખંડણી માગવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફે ગણતરીના કલાકમાં જ અપહરણકર્તાઓને ઝડપી યુવકને છોડાવી લીધો હતો.ડીસામાં સનસનાટી મચાવનારી ઘટના સામે સામે આવી છે.
ડીસા- ભોયણ ના પ્રિતમનગર પાસેની સોસાયટીમાં રહેતા 30 વર્ષના પ્રકાશભાઈ દેસાઈને છેતરીને વ્યાજે પૈસા આપવાનું કહી ચૌધરી પેટ્રોલ પંપ પાસેથી કેટલાક અજાણા ઈસમોએ તેમનું અપહરણ કર્યું હતું. અને તેમના પિતા અમરતભાઈ દેસાઈને અલગ-અલગ ફોન ઉપરથી દીકરાને છોડાવવા માટે રૂપિયા એક લાખની ખંડણીની માગણી કરી હતી. જોકે ખંડણીખોરોએ અમૃતભાઈને અલગ -અલગ જગ્યાએ બોલાવ્યા હતા. પરંતુ ખંડણીખોરો આવતા ન હતા. અને દીકરા પ્રકાશને છેવટે જાનથી મારી નાખવાની ધમકી આપતા અમૃતભાઈએ રૂપિયા 30 હજાર આપવાનું નક્કી કર્યું હતું.જે રુપિયા લઈ ડીસા-કાંટ રોડ ઉપર આવવા જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના અમરતભાઈએ ડીસા દક્ષિણ પોલીસ મથકમાં જણાવતા પોલીસે અપહ્યુત પ્રકાશને છોડાવવા અને ખંડણીખોરોને ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવી હતી.
પોલીસે સમજાવ્યું કેવી રીતે વાત કરશો
અપહ્યુત પ્રકાશના પિતા અમૃતભાઈને પોલીસે અપહરણકર્તાઓ સાથે કેવી રીતે વાતચીત કરવી. તે પીએસઆઇ એસ. જે. પરમારે સમજાવીને કાંટ રોડ ઉપર રિક્ષામાં મોકલ્યા હતા. તે અગાઉ પોલીસે કાગળની થપ્પીઓના રૂ. 500ના બંડલ તૈયાર કરીને તેમને આપ્યા હતા. અને પોલીસની ટીમો મજૂરો તેમજ રિક્ષા ડ્રાઇવરનો વેશ પલટો કરી આ વિસ્તારમાં વોચ ગોઠવી બેઠા હતા.
બાઈક ઉપર બે યુવકો આવ્યા
કાંટ રોડ ઉપર અમરતભાઈ ઉભા હતા ત્યાં બે બાઈક ચાલકો આવ્યા હતા. અને વાત થયા મુજબ પૈસા લેવા જતા જ મજૂર તેમજ ખેડૂત જેવા કપડામાં વેશ પલટો કરીને બેઠેલી પોલીસની ટીમો ત્રાટકી હતી. અને બંને યુવકોને ઝડપી લીધા હતા.
પ્રકાશભાઈને નાની ભાખર શાળામાં ગોંધી રાખ્યા હતા
ખંડણીની રકમ લેવા જતા ઝડપાયેલા બંને યુવકોની પૂછપરછમાં પ્રકાશભાઈ દેસાઈને કાંટ રોડ ઉપર આવેલી નાની ભાખર પ્રાથમિક શાળામાં છરાની અણીએ ગોંધી રખાયા હોવાનું જાણવા મળતા પોલીસની ટીમે તાત્કાલિક ત્યાં જઈને પ્રકાશભાઈને હેમખેમ મુક્ત કરાવ્યા હતા.
અપરણનું કાવતરું ઘડનાર ત્રણ આરોપીઓ ઝડપાયા
ઢુંવા ગામના ઈશ્વરભાઈ પુંજાભાઈ ભાંગરા પોતે પ્રકાશભાઈને ઓળખતા હોવાથી અગાઉ પૈસાની તેમની સાથે લેવડ-દેવડ થઈ હતી. જેમાં ઈશ્વરભાઈએ પૈસાની ઉઘરાણીના અને વધારાના રૂપિયા એક લાખ ખંડણી માટે ભાડથના રણજીતસિંહ કાંતુંભા વાઘેલા અને વિક્રમસિંહ દાડમસિંહ વાઘેલાને ટીપ આપી હતી. જેથી આ બંને આરોપીઓએ પ્રકાશભાઈનું અપહરણ કરી રિક્ષામાં દાંતીવાડા ડેમ પાસે અવાવરુ જગ્યામાં લઈ જઈને ગોંધી રાખ્યા હતા. ત્યાર પછી સ્થળો બદલતા રહેતા હતા. જ્યારે ભડથનો ગણપતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા પ્રકાશભાઈ ને છરીથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને પ્રકાશભાઇ પિતા અમરતભાઈ પાસે ખંડણી મગાવી રહ્યો હતો. પોલીસે આ કાવતરામાં સામેલ ત્રણેય આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.