ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મ

CM ભૂપેન્દ્રભાઈ પટેલ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં ઉપસ્થિત રહેશે

  • મુખ્યમંત્રીના હસ્તે પાલખી તથા ઘંટી યાત્રા પ્રસ્થાન કરાવવામાં આવશે
  • ભુપેન્દ્રભાઈ પટેલ અંદાજે ૧૩ કરોડના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગનું કરશે લોકાર્પણ

પાલનપુર, 6 ફેબ્રુઆરી : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું આયોજન થનાર છે. પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવમાં ૯ ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દાંતાના ચિખલા હેલિપેડ ખાતે બપોરે ૩ કલાકે ઉતરાણ કરીને શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં જોડાશે.

૯ ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરશે તથા અંદાજિત રૂપિયા ૧૩ કરોડના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે. આ સાથે મુખ્યમંત્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી બનશે, જેમાં પાલખી યાત્રા તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવશે. મુખ્યમંત્રી શક્તિપીઠ પરિષદ સંકુલના મંદિર ખાતે પૂજા તથા પરિક્રમા કાર્યક્રમમાં જોડાશે ત્યારબાદ મુખ્યમંત્રી ડી.કે.ત્રિવેદી દિવ્યાંગ સહાય વિતરણ કાર્યક્રમમાં જોડાઈને દિવ્યાંગજનોને લાભ વિતરણ કરશે.

મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડીંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે. આ નવીન બિલ્ડિંગમાં ૧૫૦ કેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરાયો છે. નવીન બિલ્ડીંગમાં પાર્કિંગ, મલ્ટી પર્પજ હોલ, ૧૦ વર્ગખંડો, છાત્રાલય માટે ૪૯ જેટલી રૂમ, લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કોમ્પ્યુટર હોલ, યજ્ઞ શાળા સહિતની અદ્યતન સુવિધાઓ ઉભી કરાઈ છે.

અહી નોંધનીય છે કે, શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયનું વર્ષ ૧૯૬૨થી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે. આ વિદ્યાલયમાં કર્મકાંડ, જ્યોતિષ,વેદ, પુરાણ,ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સંસ્કૃત મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં સંસ્કૃત સાહિત્યના ૫,૧૦૭ જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડી.કે.ત્રિવેદી ભવન, અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાય વિતરણ કરાશે. જેમાં દિવ્યાંગ લોકોને મોટરાઇઝડ ટ્રાઇસિકલ, વ્હીલ ચેર, સ્માર્ટફોન, હીયરિંગ એઈડ, દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ, એસ.ટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખકાર્ડ, સંત સૂરદાસ યોજનાના મંજૂરી હુકમ, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય યોજના અને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ કરાશે.

અહીં નોંધનિય છે કે, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ખાસ “દિવ્યાંગ સેવા સેતુ” કાર્યક્રમો યોજીને દિવ્યાંગ લોકોને સ્થળ પર જ વિવિધ લાભ એનાયત કરાયા હતા. ભારત સરકારની એડિપ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૧૬૭ લાભાર્થીઓને ૨૦૦.૬૧ લાખ રૂપિયાના વિવિધ ૨૦૫૨ સાધનો તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના ૭૦૫ લાભાર્થીઓને વિવિધ સહાય મંજુરી આદેશ/ચેક/બસપાસ તેમજ ૬૨૮ લાભાર્થીઓને દિવ્યાંગતા સર્ટીફિકેટ વિતરણ એમ કુલ મળીને ૨૫૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવશે. જિલ્લાના કુલ ૧૮,૭૧૨ લાભાર્થીઓ બસમાં વિનામુલ્યે મુસાફરી માટે બસ પાસ યોજનાનો લાભ મેળવી રહ્યા છે.

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે.

આ પણ વાંચો :- નવી 6 સહિત રાજ્યની તમામ મ.ન.પા. તેમજ 4 ન.પા.ને વિકાસ કામો માટે રૂ.710 કરોડની ફાળવણી

Back to top button