અમદાવાદમાં 10 વર્ષના માસૂમ પુત્રની પિતાના હાથે હત્યા


અમદાવાદ, 5 ફેબ્રુઆરી : અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં બાપુનગર વિસ્તારમાં રહેતા 10 વર્ષના પુત્રને તેના જ પિતાએ પાણીમાં ઝેરી પાઉડર ભેળવીને પીવડાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 10 વર્ષના માસૂમનું મૃત્યુ નિપજતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ આ ઘટનામાં પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે આખી ચોંકાવનારી ઘટના?
મળતી માહિતી મુજબ બાપુનગરમાં આવેલ નર્મદા આવાસમાં રહેતા એક 10 વર્ષના બાળકની ઝેર પીવડાવી હત્યા કરી નાખવામાં આવી હતી. અહીં રહેતા કલ્પેશ ગોહિલે પોતાના પુત્ર ઓમને પાણીમાં 30 ગ્રામ જેટલું સોડિયમ નાઈટ્રેટ નામના ઝેરી પાઉડર ભેળવીને પીવડાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પત્ની બહારગામ ગઇ અને પતિએ ખૂની ખેલ ખેલ્યો
આ ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ કલ્પેશની પત્ની બહારગામ ગઈ હતી તે સમયે જ બાળકને મારી નાખવાનો તેના પિતા વિચાર આવ્યો હતો. જેના પગલે કલ્પેશે સોડિયમ નાઈટ્રેટ ઝેરી પાઉડર પાણીમાં ભેળવીને તેના પુત્રને આપી દીધું હતું. જે પી લેતા બાળકનું મોત નિપજ્યું હતું.
વધુમાં પોલીસનું એવું કહેવું છે કે બાળકને કોઈ બીમારી હોવાથી પિતા કંટાળ્યો હતો અને તેના કારણે જ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. તે પોતે પણ આ હત્યા બાદ આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો પણ તેની હિંમત તૂટી ગઇ અને તે આ ઘોર પાપ કરી બેઠો હતો.
જો કે, કેટલાક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારને લઈને માસૂમની હત્યા નિપજાવી હતી. આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :- ‘જો તમારે વિદેશ નીતિ સમજવી હોય તો આ પુસ્તક વાંચો’, PM મોદીએ રાહુલ ગાંધીને સલાહ આપી