ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપે સોનિયા ગાંધી સામે સંસદમાં વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ રજૂ કર્યો, આ છે કારણ

Text To Speech

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશેના તેમના કથિત નિવેદન પર નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ સંસદમાં વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભાજપે સોનિયા ગાંધી પર રાષ્ટ્રપતિ પદની ગરિમાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને તેમના નિવેદનને અપમાનજનક ગણાવ્યુ હતું.

મહત્વનું છે કે, રાજ્યસભાના સભ્ય સોનિયા ગાંધીએ 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પછી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘Poor Lady’ તેમના સંબોધનના અંત સુધીમાં થાકી ગયા હતા અને ખૂબ જ મુશ્કેલીથી બોલી શકતા હતા.

સોનિયા ગાંધીએ શું કહ્યું?

રાષ્ટ્રપતિ મુર્મુએ 31 જાન્યુઆરીએ બજેટ સત્ર દરમિયાન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આ પછી જ્યારે પત્રકારોએ સોનિયા ગાંધીને તેમની પ્રતિક્રિયા પૂછી તો તેમણે કહ્યું, રાષ્ટ્રપતિ ખૂબ થાકેલા હતા, તેઓ બરાબર બોલી પણ શકતા ન હતા.

ભાજપે આ નિવેદનને રાષ્ટ્રપતિનું અપમાન ગણાવ્યું અને તેને આદિવાસી વિરોધી માનસિકતા ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીના દ્વારકામાં એક રેલીમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે આ ટિપ્પણી સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે.

રાષ્ટ્રપતિ ભવને પણ જવાબ આપ્યો

રાષ્ટ્રપતિ ભવને આ ટિપ્પણીને અસ્વીકાર્ય ગણાવી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ મુર્મુ થાક્યા નથી. આ સાથે જ ભાજપના નેતાઓએ આ નિવેદનને લઈને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના સાંસદોએ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને કહ્યું કે, આ નિવેદન માત્ર આદિવાસી સમુદાયનું જ નહીં પરંતુ સમગ્ર લોકશાહીનું અપમાન છે. આ અંગે સોનિયા ગાંધીને જવાબદાર ઠેરવવા જોઈએ અને તેમની સામે યોગ્ય શિસ્તભંગના પગલાં લેવા જોઈએ.

કોંગ્રેસે શું આપ્યો જવાબ?

આ વિવાદ પર સ્પષ્ટતા આપતા કોંગ્રેસે કહ્યું કે સોનિયા ગાંધીનો કોઈનું અપમાન કરવાનો ઈરાદો નહોતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું, મારી માતા 78 વર્ષની છે, તેમણે માત્ર એટલું જ કહ્યું કે રાષ્ટ્રપતિએ લાંબુ ભાષણ આપ્યું અને તેઓ થાકી ગયા હશે. ભાજપ આ નિવેદનને બિનજરૂરી રીતે ટ્વિસ્ટ કરી રહ્યું છે.

આ પણ વાંચો :- PM મોદીને શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ મળે એટલે વિદેશ મંત્રીને US મોકલવામાં આવ્યા – રાહુલ ગાંધી

Back to top button