મહાકુંભમાં ભાગદોડ પર સંસદમાં હોબાળો: વિપક્ષી પાર્ટીઓ આક્રમક અંદાજમાં જોવા મળી, ચર્ચાની કરી માગ


નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2025: સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રના આજે ત્રીજા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાની શરુઆત થશે. 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિનું અભિભાષણ શરુ થતાં બજેટ સત્રના પ્રથમ દિવસે સંસદના બંને સદનોમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. બીજા દિવસે 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રીએ નાણાકીય વર્ષે 2024-25 માટે બજેટ રજૂ કર્યું હતું.
સંસદમાં ચાલી રહેલા આ સત્ર દરમ્યાન વિપક્ષના સાંસદો મહાકુંભમાં ભાગદોડ પર ચર્ચાની માગ કરવા માટે અડગ છે. આ દરમ્યાન બંને સદનોની કાર્યવાહી ચાલી રહી છે. વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઓઉટ કરી દીધું છે.
લોકસભાની કાર્યવાહી દરમ્યાન વિપક્ષના સાંસદ સતત હોબાળો કરી રહ્યા છે. મહાકુંભમાં જે શ્રદ્ધાળુઓના મોત થયા છે, તેમની યાદી જાહેર કરવાની પણ માગ થઈ રહી છે. તેની સાથે જ તેઓ સતત સીએમ યોગી અને પીએમ મોદીના રાજીનામાની માગ પણ કરી રહ્યા છે.
લોકસભામાં વિપક્ષી સાંસદોની નારેબાજીથી સ્પીકર ઓમ બિરલા નારાજ થયા છે. તેમણે પ્રદર્શન કરી રહેલા સાંસદોને કહ્યું કે, જો દેશની જનતાએ આપને નારેબાજી કરવા અને પ્રશ્નકાળ સ્થગિત કરવા માટે મોકલ્યા છે તો આપ કરો. જો સદન ચલાવવા માગતા હોવ તો સીટ પર બેસી જાવ.
બીજી બાજુ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં સામેલ થઈ શકે છે. રાહુલ ગાંધી બપોરે એક વાગ્યા બાદ ધન્યવાદ પ્રસ્તાવ પર બોલી શકે છે. સંસદમાં વિપક્ષી પાર્ટીઓ પ્રયાગરાજ મહાકુંભ દુર્ઘટનામાં મૃત્યુને લઈને આક્રમક અંદાજમાં જોવા મળી રહી છે. વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દા પર ચર્ચાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: પિતાના અંતિમ સંસ્કાર માટે બે દીકરા વચ્ચે ઝપાઝપી થઈ, મોટા દીકરાએ મૃતદેહના બે ટુકડા કરવાની વાત કરી