શું સ્ટ્રેસ ફાયદાકારક પણ હોઈ શકે છે? કોને કહવાય છે ગુડ સ્ટ્રેસ?
- સ્ટ્રેસ હંમેશા નુકસાનકારક હોતો નથી, શું તમે જાણો છો કે સ્ટ્રેસનો એક પ્રકાર ગુડ સ્ટ્રેસ પણ હોય છે અને તે તમને નુકસાન નહિ, ફાયદો આપે છે
HD ન્યુઝ ડેસ્કઃ કહેવાય છે કે ચિંતા ચિતા સમાન છે. એટલે કે ટેન્શન લેવાથી વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આજે ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે સ્ટ્રેસ વગર જીવતી હશે, પરંતુ શું તમે જાણો છો કે સ્ટ્રેસનો એક પ્રકાર ગુડ સ્ટ્રેસ પણ હોય છે અને તે તમને નુકસાન નહિ, ફાયદો આપે છે.
જેમ દરેક નકારાત્મક બાબતમાં સકારાત્મક પાસું હોય છે, તેમ જ ગુડ સ્ટ્રેસ લેવાથી પણ કેટલાક ફાયદા થાય છે. એવું કહેવાય છે કે શરીરનો ‘ફાઇટ અને ફ્લાઈટ’ રિસ્પોન્સ સ્ટ્રેસ દરમિયાન જ એક્ટિવ બને છે. આ તણાવ આપણી સુરક્ષા માટે છે, જેનાથી કોઈ નુકસાન થતું નથી. ગુડ સ્ટ્રેસ તમને બેચેન બનાવવાને બદલે હોંશિયાર બનાવે છે.
ગુડ સ્ટ્રેસ શું છે?
ગુડ સ્ટ્રેસને યૂ-સ્ટ્રેસ પણ કહેવામાં આવે છે, જે હકારાત્મક પ્રતિક્રિયાઓ પેદા કરે છે. તે માનસિક સતર્કતા વધારે છે, જેથી આપણે ઝડપથી સમસ્યાઓ ઓળખી શકીએ અને ઉકેલ શોધી શકીએ. અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનના જણાવ્યા મુજબ, જ્યારે કોઈ ઉત્તેજક કાર્ય અથવા નવા પડકારનો સામનો કરવામાં આવે ત્યારે ગુડ સ્ટ્રેસ થાય છે. જો કે તે ત્યાં સુધી ફાયદાકારક છે, જ્યાં સુધી તે કન્ટ્રોલમાં છે.
ગુડ સ્ટ્રેસ ક્યારે થાય છે?
જ્યારે આપણે કંઈક નવું અને રોમાંચક કરવાના હોઈએ ત્યારે આપણે તણાવ અનુભવીએ છીએ. જેમ કે નિવૃત્તિ માટેનું આયોજન, નોકરીની નવી પોઝિશન કે પછી કોઈ સ્પોર્ટ્સ મેચમાં ભાગ લેવો. આ સમય દરમિયાન, ઉત્તેજના સાથે ચિંતા પણ અનુભવાય છે. ડ્રાઈવિંગ શીખતી વખતે તમે તણાવ અનુભવી શકો છો. નવો ખેલાડી તેના ડેબ્યુ પહેલા અને મેચ દરમિયાન ગુડ સ્ટ્રેસ અનુભવી શકે છે.
ગુડ સ્ટ્રેસના ફાયદા
- આ તણાવથી સતર્કતા અને એક્શન લેવાની ક્ષમતા વધે છે.
- સફળ થવાની પ્રેરણા આપે છે.
- તાત્કાલિક નિર્ણય લેવા માટે પરવાનગી આપે છે.
- તમને સક્રિય રાખે છે, તમને અલગ અલગ એંગલથી વિચારવા મજબૂર કરે છે.
સંબંધોમાં ગુડ સ્ટ્રેસનું મહત્ત્વ
સંબંધોમાં પણ ગુડ સ્ટ્રેસ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે બે લોકો સંબંધમાં હોય છે, ત્યારે તેઓ એકબીજા વિશે વિચારે છે. તેઓ એકબીજા માટે વાત કરવા, મળવા અને સમય કાઢવા માટે ગુડ સ્ટ્રેસ અનુભવે છે, જે તેમના સંબંધોને મજબૂત બનાવે છે. આ કારણે બંને એકબીજા વિશે બધું જ જાણે છે. આવા યુગલોમાં ઝઘડા ઓછા અને પ્રેમ વધુ હોય છે .
આ પણ વાંચોઃ સવારના નાસ્તામાં દલિયા કેમ છે જરૂરી? ફાયદા જાણશો તો દૂર નહીં ભાગો