પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાસના રોજ ગુજરાતમાંથી જાણો કેટલી જનમેદની આવી
- ત્રીસ લાખથી વધુ યાત્રિકો હાલમાં પ્રયાગરાજના સંગમ સ્થળે
- વીસ કિલોમીટરનો રસ્તો કાપતાં બસોને ચારથી છ કલાકનો સમય
- ગુજરાતની અનેક કંપનીઓએ પણ મહાકુંભમાં ખાસ ભંડારાનું આયોજન કર્યું
ગુજરાતમાંથી પ્રયાગરાજમાં મૌની અમાસના રોજ લાખોની સંખ્યામાં જનમેદની પ્રયાગરાજ અમૃત સ્નાન માટે પ્રયાણ કરી રહી છે. ત્યારે અહીં પ્રયાગરાજથી પ્રવેશતાં પહેલાં વીસ કિલોમીટરથી જ વાહનો થંભી જતાં હોય એમ પ્રયાગરાજના પાર્કિંગ સુધી પહોંચતા મોટા ભાગના યાત્રાળુઓની બસો સાવ ધીમી ગતીએ ચાલી રહી છે.
ત્રીસ લાખથી વધુ યાત્રિકો હાલમાં પ્રયાગરાજના સંગમ સ્થળે
આમ તો અહીં દરેક રાજ્યના યાત્રિકો આવ્યા છે. ગુજરાતથી આવેલા મહંતો અને ટૂર ઓપરેટરોના અંદાજે એકલા ગુજરાતમાંથી જ ત્રીસ લાખથી વધુ યાત્રિકો હાલમાં પ્રયાગરાજના સંગમ સ્થળે ભેગા થયા છે. અમદાવાદથી 500 જેટલી બસો પ્રયાગરાજમાં અમૃતસ્નાન માટે પહોંચી છે ત્યારે અહીં પ્રગારરાજ પહેલાં વીસ કિલોમીટરનો રસ્તો કાપતાં કાપતાં મોટા ભાગની બસોને ચારથી છ કલાકનો સમય લાગ્યો હતો.
ગુજરાતની અનેક કંપનીઓએ પણ મહાકુંભમાં ખાસ ભંડારાનું આયોજન કર્યું
અમદાવાદથી મૈહરના રસ્તે પ્રયાગરાજ પહોંચતા ટ્રાવેલ ઓપરેટરોએ જણાવ્યું હતું કે મોટા ભાગના મુસાફરો ખાધાપીધા વગર પ્રયાગરાજમાં પ્રવેશ્યા છે કારણ કે રસ્તામાં એટલો ટ્રાફિક હતો કે ક્યાંય જમવાની કે રસોઈની વ્યવસ્થા થઈ શકી નથી. દેશની પ્રમુખ કોર્પોરેટ કંપનીઓએ અહીં ભંડારાની સુવિધા કરી છે જેમાંથી ગુજરાતની અનેક કંપનીઓએ પણ મહાકુંભમાં ખાસ ભંડારાનું આયોજન કર્યું છે.
મૌની અમાસની તાલાવેલી હોવાથી સામાન્ય કરતાં વધુ ભીડ
ગુજરાતથી પહોંચેલા યાત્રિકોએ જણાવ્યું હતું કે પ્રયાગરાજના પાર્કિંગથી સંગમ સુધીનું અંતર 12 કિલોમીટરનું છે. જેમાં ભીડ છે અને ચાલવાનું છે. દરેકને મૌની અમાસની તાલાવેલી હોવાથી સામાન્ય કરતાં વધુ ભીડ અને તેમાંય પાર્કિંગથી બસ, રિક્ષા, ઈ-રિક્ષાની વ્યવસ્થા બંધ કરાતાં મોટા ભાગના યાત્રિકોએ ચાલીને સંગમ અને વિવિધ ઘાટ પર જઇ રહ્યાં છે.
આ પણ વાંચો: ગુજરાતથી STની વોલ્વો બસમાં મહાકુંભમાં ગયેલા શ્રદ્ધાળુઓ સલામત