સુરતમાં ૧૧ તોફાનીઓને રીલ બનાવવી પડી ભારે: જાણો આગળ શું થયું?


સુરત: ૨૯ જાન્યુઆરી: આજના સમયમાં તમને ભાગ્યે જ કોઈ એવો માણસ મળશે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ના કરતો હોય. કેટલાક લોકો તેમના મનોરંજન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે જ્યારે કેટલાક લોકો તેના દ્વારા પ્રખ્યાત થવા માંગે છે. જે લોકો સોશિયલ મીડિયા દ્વારા ફેમસ થવા માંગે છે તેઓ સોશિયયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર અલગ-અલગ કન્ટેન્ટના વીડિયો પોસ્ટ કરતા હોય છે. સોશિયલ મીડિયાની દુનિયામાં પોતાને ફેમસ બનાવવાનું ભૂત લોકોને એવા લેવલે છે કે લોકો રીલ અને વીડિયો બનાવીને ફેમસ થવા માટે કઈ પણ કરી શકે છે. ત્યારે હાલમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં સોશ્યલ મીડિયામાં ફેમસ થવા માટે 11 યુવાનોએ બ્રિજ પર દોડધામ કરી હતી. જેનાથી વાહનચાલકો ભયભીત થઈ ગયા અને પોતાનું વાહન રોકી દીધું. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તમામની અટકાયત કરી છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં 11 યુવાનોએ ભયનું વાતાવરણ ઉભું કરતાં વિવાદ સર્જાયો હતો. આ તમામ યુવકોએ ભેસ્તાન શાલીમાર રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવામાં માટે દોડાદોડી કરીને વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી કરી હતી. લગભગ 30 મિનિટ સુધી બ્રિજ પર આ યુવાનો લોકો માટે મુશ્કેલીના કારણ બની ગયા હતા. તેનાથી ટ્રાફિકમાં પણ અવરોધ સર્જાયો હતો. બ્રિજ પર દોડધામ કરતા લોકોનાં જીવ જોખમમાં મુકી દીધા હતા. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને રિલ બનાવનાર 11 ઇસમોને શોધી કાઢી તેમની અટકાયત કરી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે તમામ મજૂરી કામ કરે છે અને ફક્ત સોશ્યલ મીડિયામાં ફેમસ થવા માટે તેમણે આ કૃત્ય કર્યું હતું. ભેસ્તાન પોલીસે તમામ 11 યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. ભવિષ્યમાં આવી ગેરકાયદેસર હરકતો નહીં કરવાની ચેતવણી આપી હતી. તમામ આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માગી છે.
આ પણ વાંચો…ગુજરાત STના 40 હજાર કર્મચારીઓના DAમાં 4 ટકાનો વધારો : ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે