રાજકોટ IND Vs ENG T20 મેચ : વરૂણ ચક્રવર્તીનો પંજો, ભારતને મળ્યો 172 રનનો ટાર્ગેટ
રાજકોટ, 28 જાન્યુઆરી : રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની T20 સીરીઝની ત્રીજી મેચ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે મેચમાં બેટીંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા છે અને ભારતને 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં બેન ડકેટે 26 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જ્યારે કે ભારતીય સ્પીનર વરૂણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ઝડપી ઈંગ્લીશ ક્રિકેટરોને ઘૂંટણીયે પાડી દીધા હતા.
કેપ્ટન સૂર્યાએ આ મેચ માટે પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને તક આપવામાં આવી છે. ODI વર્લ્ડ કપ 2023 બાદ શમી ભારતીય ટીમમાં પરત ફર્યો છે.
ઈંગ્લેન્ડે આ ત્રીજી મેચ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ત્રીજી T20 મેચ માટે પોતાના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. ઇંગ્લિશ ટીમ આ સિરીઝની પ્રથમ 2 મેચ હારી ચૂકી છે. આ હોવા છતાં, બટલરે તેના પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો ન હતો.
ભારતે રાજકોટમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ હારી છે
જો ભારતીય ટીમ ત્રીજી T20 મેચ જીતશે તો તે શ્રેણી પર કબજો કરી લેશે. આ રીતે, તે ઇંગ્લેન્ડ સામે તેની સતત પાંચમી T20 શ્રેણી જીતશે. મહત્વનું છે કે ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 8 દ્વિપક્ષીય T20 સીરીઝ રમાઈ છે. આમાં ભારતીય ટીમે 4 સિરીઝ જીતી છે અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. એક શ્રેણી ડ્રો રહી હતી.
બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ રાજકોટમાં તેની પ્રથમ ટી-20 મેચ રમવા આવી છે. જ્યારે ભારતીય ટીમ અહીં 5 T20 મેચ રમી ચૂકી છે. આમાં ટીમ ઈન્ડિયાએ 4 મેચ જીતી છે, જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ 2017 થી આ મેદાન પર એકપણ T20 મેચ હારી નથી.
ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો દબદબો છે
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ T20 ઇન્ટરનેશનલ મેચોમાં ભારતીય ટીમ હંમેશા ઉપર રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 26 T20 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 15 મેચ જીતી હતી જ્યારે ઈંગ્લેન્ડને 11 મેચમાં સફળતા મળી હતી. આ રીતે, જ્યારે પણ બંને ટીમો આમને-સામને આવે છે, ત્યારે ભારતીય ટીમનો દબદબો જોવા મળે છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20માં સામ-સામે
કુલ T20 મેચો – 26
ભારત જીત્યું- 15
ઈંગ્લેન્ડ જીત્યું- 11
મેચમાં ભારત-ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11:
ઈંગ્લેન્ડની ટીમઃ જોસ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, હેરી બ્રુક, લિયામ લિવિંગ્સ્ટન, જેમી સ્મિથ, જેમી ઓવરટન, બ્રેડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વુડ.
ભારતીય ટીમઃ સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, ધ્રુવ જુરેલ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી.