ઉંમર 16 વર્ષ કરતાં ઓછી છે? તો અહીં જ ઊભા રેજો, આગળ ન વધતાઃ જાણો ક્યાં જારી થયો હુકમ
હૈદરાબાદ, 28 જાન્યુઆરી : તેલંગાણા હાઈકોર્ટે 16 વર્ષથી નીચેના બાળકોને થિયેટર, મલ્ટીપ્લેક્સમાં સવારે 11 વાગ્યા પહેલા અને 11 વાગ્યા પછી પ્રવેશવા અને ફિલ્મો જોવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ફિલ્મની ટિકિટના ભાવમાં વધારો અને વિશેષ શો માટે પરવાનગી સંબંધિત અરજીની સુનાવણી બાદ કોર્ટે આ નિર્ણય લીધો છે. ન્યાયમૂર્તિ વિજયસેન રેડ્ડીએ ટિપ્પણી કરી હતી કે બાળકોને વહેલી સવારે અથવા મોડી રાત્રે મૂવી જોવાની મંજૂરી આપવાથી તેમના શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને અસર થઈ શકે છે.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે પુષ્પા 2 ફિલ્મના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગને યાદ કરી હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જસ્ટિસ વિજયસેન રેડ્ડીએ કહ્યું કે સિનેમેટોગ્રાફીના નિયમો પ્રમાણે બાળકોને સવારે 8.40 વાગ્યા પહેલા અને બપોરે 1.30 વાગ્યા પછી ફિલ્મો જોવાની મંજૂરી ન આપવી જોઈએ. બાળકોને વહેલી સવારે અને મોડી રાત્રે મૂવી જોવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
કોર્ટે રાજ્ય સરકારને સૂચના આપી છે
હાઈકોર્ટે ભલામણ કરી છે કે રાજ્ય સરકાર તમામ પક્ષકારોને થિયેટર અને મલ્ટિપ્લેક્સમાં સવારે 11 વાગ્યા પહેલા અને 11 વાગ્યા પછી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના પ્રવેશ પર નિયંત્રણ રાખવાનો નિર્દેશ આપે. અગ્ર સચિવ, ગૃહ વિભાગને બાળકોના પ્રવેશને અંકુશમાં લેવા માટે તમામ હિતધારકો સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવાની સલાહ આપવામાં આવી હતી.
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર – કોર્ટ
જસ્ટિસ રેડ્ડીએ બાળકો પર મોડી રાત્રે સ્ક્રીનના વધુ પડતા ઉપયોગની અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અરજદારના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકોને મોડી રાત્રે, ખાસ કરીને મધ્યરાત્રિ પછી અથવા વહેલી સવારે મૂવી જોવા માટે બહાર જવા દેવાથી તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.
જસ્ટિસ બી વિજયસેન રેડ્ડીની ખંડપીઠે મૂવી ટિકિટના ભાવમાં વધારો અને વિશેષ શોની મંજૂરી સંબંધિત અરજીઓની સુનાવણી દરમિયાન આ અવલોકનો કર્યા હતા. અરજદારના વકીલે દલીલ કરી હતી કે વિષમ કલાકોમાં ફિલ્મો જોવાથી બાળકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. કોર્ટે પોતાનો નિર્ણય આપતા પહેલા આ ચિંતાઓને ધ્યાનમાં લીધી હતી. કેસની આગામી સુનાવણી 22 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.
આ પણ વાંચો :- સોનિયા ગાંધીએ પોતે કુંભમાં સ્નાન કર્યું ત્યારે ખડગેને ગરીબીની યાદ નહોતી આવી? ભાજપ નેતાએ કર્યો પ્રશ્ન