કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

રાજકોટ : કાલે CMની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા, હર્ષ સંઘવી 25 લોકોને આપશે ભારતીય નાગરિકત્વની ભેંટ

Text To Speech

આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનને અનુલક્ષી  મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાશે.  તિરંગા યાત્રામાં જોડાવા માટે મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળાએ શહેરીજનોને અપીલ કરી છે.

બહુમાળી ભવન ચોક થી રાષ્ટ્રીય શાળા સુધી યોજાશે ‘તિરંગા યાત્રા’

દેશના અનેક ક્રાંતિવિરોના બલિદાનથી ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી છે. અંગ્રેજો સામેનો  અભૂતપૂર્વ સ્વાતંત્ર્ય સંગ્રામ હંમેશા દેશવાસીઓ યાદ રાખે આઝાદીનું મૂલ્ય સમજે એ ખૂબ જરૂરી છે. આ મહામૂલી આઝાદીના 75 વર્ષ નિમિતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ મહાપર્વની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન ‘હર ઘર તિરંગા’નું આહ્વવાન  ર્ક્યું છે.  મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત આવતીકાલ તા. 12ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સવારના 8:30 કલાકે બહુમાળી ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે બહુમાળી ભવન ચોક થી રાષ્ટ્રીય શાળા સુધી ‘તિરંગા યાત્રા’નો પ્રારંભ થશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ, શહેર – જિલ્લાના હોદેદારો, સંસ્થાના આગેવાનો રહેશે ઉપસ્થિત

આ તિરંગા યાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સંસદસભ્યો, ધારાસભ્યો, શહેર ભાજપના પ્રમુખ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, જુદી જુદી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ તથા તમામ પાર્ટીના  હોદ્દેદારોે, કાર્યકરો, જુદા જુદા સમાજના અગ્રણીઓ, સામાજિક – શૈક્ષણિક – ધાર્મિક સંસ્થાના સભ્યોે, શાળા-કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં જોડાશે. રાજકોટ શહેરના તમામ નગરજનો સ્વયંભૂ તિરંગા યાત્રામાં જોડાય, સમગ્ર શહેરને રાષ્ટ્રભક્તિના રંગમાં રંગી દઈએ અને વિશ્વમાં દેશની આન-બાન-શાન વધારવા મેયર સહિતના પદાધિકારીઓએ અપીલ કરી છે.

કાલે ગૃહ રાજ્યમંત્રીના હસ્તે 25 લોકોને અપાશે ભારતીય નાગરિકત્વ

રાજકોટમાં 12મી ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાજકોટ જિલ્લાના 25 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવાયું છે કે, રાજકોટ જિલ્લામાં વસવાટ કરતા બહારના લોકોએ ભારતીય નાગરિકત્વ માટે અરજી કરેલી હતી. જે સંદર્ભે કાર્યવાહી કરીને 25 જેટલા લોકોની અરજી મંજૂર કરવામાં આવેલી છે. જેના ભાગરૂપે તેઓને કાલે કલેકટર કચેરી ખાતે, ગૃહરાજ્યમંત્રીના હસ્તે ભારતીય નાગરિકત્વ આપવાનો કાર્યક્રમ થશે. ત્યારબાદ તેઓ ભારતના કાયમી નાગરિક બની જશે.

Back to top button