સુરતમાં તાપી નદી ફરી બે કાંઠે, ઉકાઈમાંથી 1.75 લાખ ક્યુસેક છોડાયું
સુરતમાં વરસાદ વચ્ચે ઉકાઇ ડેમના કેચમેન્ટમાં મેઘરાજાની સતત બેટિંગ ચાલુ છે. જેના કારણે ઉકાઈ ડેમની સપાટી સતત વધી રહી છે અને તેના કારણે તાપી નદી સંલગ્ન મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડતા તાપી નદી પર આવેલા હથનુર ડેમ માંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેચમેન્ટ એરિયામાં પણ સારા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે.
ગુરૂવારે સવારથી જ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જમતા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં બારડોલી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ ફરી વરસાદે રંગ જમાવટ ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છ. શેરડીના પાક માટે આ વરસાદ ફાયદાકારક હોવાનું મનાઈ રહ્યું છે. સુરતમાં પણ તાપી નદી બંને કાંઠે વહેતા કોઝવેની સપાટી 9 મીટર સુધી પહોંચતા હાલ વાહન વ્યવ્યહાર માટે કોઝવે બંધ રાખવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા
સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સારો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આંકડા પ્રમાણે જોવા જઈએ તો બારડોલીમાં 2.25 ઇંચ, કામરેજમાં 2.25 ઇંચ, પલસાણામાં 2.50 ઇંચ, માંગરોળમાં 1.25 ઇંચ, મહુવામાં 1.20 ઇંચ, ઉમરપાડામાં 3.50 ઇંચ, ચોર્યાસીમાં 0.75 ઇંચ, અને સુરત સિટીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે લોકોને ઉકળાટ અને ગરમીથી રાહત મળી છે.
ઉકાઇમાંથી ફરી પાણી છોડવાનું શરૂ
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ઉકાઇ ડેમમાંથી હાલ તાપી નદીમાં 1.75 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ફરી એકવાર તાપી નદી બંને કાંઠે જોવા મળશે. ડેમમાં પાણીની આવક 1,30,627 ક્યુસેક નોંધાઈ છે.