કચ્છના નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં સેશન્સ કૉર્ટનો મોટો ચુકાદો; તમામ 8 આરોપીને કર્યા નિર્દોષ જાહેર


કચ્છ, ૨૩ જાન્યુઆરી: ૨૦૨૫: દેશભરમાં બહુચર્ચિત બની ગયેલા ભારતીય જનતા પક્ષના કેટલાક નેતાઓને સાંકળતા કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે કથિત રીતે આચરવામાં આવેલા સામૂહીક દુષ્કર્મકાંડના હાઈપ્રોફાઈલ કેસમાં ભુજની સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપ્યો છે. ભુજ સેશન્સ કોર્ટે ૨૦૧૭ના ચકચારી કેસમાં તમામ આઠ આરોપીઓ નિદોર્ષ જાહેર કર્યા. આ કેસમાં રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂંક કરી હતી. પરંતુ ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઈલ થઇ હતી. જેના કારણે આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે.
વર્ષ 2017ના જાન્યુઆરી મહિનામાં નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડની ઘટનાએ માત્ર કચ્છ જ નહીં સમગ્ર દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. ભુજ સેશન્સ કોર્ટે આજરોજ એટલે કે ગુરુવારે ૨૦૧૭ના હાઈ-પ્રોફાઈલ નલિયા ગેંગ રેપ કેસમાં મોટો ચુકાદો આપતા તમામ આઠ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ દુષ્કર્મની ચકચારી ઘટનામાં ભાજપના મોટા નામ શામેલ હોવાનું સામે આવ્યું હતું. જેમાં અબડાસા- નલિયામાં કામ કરતી અને મૂળ મુંબઈની પીડિતાએ 2017ના જાન્યુઆરીમાં નલિયા પોલીસ મથકે ભાજપના અમુક નેતાઓ સહિત 10 આરોપી સામે ફરિયાદ નોંધાવતા ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં ૨૪ વર્ષીય ફરિયાદીએ ભાજપના ચાર સભ્યો સહિત ૧૦ લોકો પર ગેંગરેપ અને બળજબરીથી વેશ્યાવૃત્તિ કરાવવાનો આરોપ મૂક્યો હતો.
રાજકીય હોબાળા વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દુષ્કર્મ કાંડના કુલ ૮ વગદાર તહોમતદારને પોલીસે ફરીયાદ બાદ તાત્કાલિક ઝડપી લીધા હતા અને તેમાંથી જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા તેને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. SITએ પીડિતાની ફરિયાદના આધારે સોલંકી, પારુમલાણી, ભાનુશાલી, રામવાણી અને અન્ય સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપીઓના મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર જપ્ત કર્યા હતા.
આ પણ વાંચો….અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ