ભારત વિશ્વનું બીજું સૌથી મોટું મોબાઈલ માર્કેટ છે. ભારતના મોબાઈલ માર્કેટમાં ચીનની કંપનીઓનો દબદબો છે, જેના કારણે સ્થાનિક મોબાઈલ કંપનીઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. તાજેતરમાં બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 12000 રૂપિયાથી ઓછી કિંમતના ચાઈનીઝ સ્માર્ટફોન ભારતમાં પ્રતિબંધિત થઈ શકે છે. પરંતુ હવે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે સ્માર્ટફોન માર્કેટમાંથી ચીનની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની સરકારની કોઈ યોજના નથી.
આવો કોઈ પ્રસ્તાવ તેમની પાસે વિચારણા માટે આવ્યો નથી
ભારતમાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતના ચાઈનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાવવા સંબંધિત અહેવાલો પર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે આવો કોઈ પ્રસ્તાવ તેમની પાસે વિચારણા માટે આવ્યો નથી. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ ડેટા અનુસાર, Xiaomi, Realme, Oppo અને Vivo જેવી ચીની કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં ભારતીય સ્માર્ટફોન માર્કેટનો 63% હિસ્સો કબજે કર્યો હતો.