મહાકુંભમાં સંગમ તટ પર 24થી 26 જાન્યુઆરી ડ્રોન શોનું આયોજન કરાશે
- પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ડ્રોન શોનું આયોજન થવા જઈ રહ્યું છે. આ આયોજન 24, 25 અને 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે.
HD ન્યુઝ ડેસ્કઃ પ્રયાગરાજમાં આસ્થાના પર્વ સમાન કુંભમેળો યોજાયો છે. દેશ-દુનિયામાંથી લોકો અહીં આવીને સંગમમાં ડૂબકી લગાવીને પવિત્ર થયા હોવાની અનુભૂતિ કરી રહ્યા છે. આ અવસરે પ્રયાગરાજ મહાકુંભમાં ડ્રોન શોની ભેટ મળવા જઈ રહી છે. રાજ્યના પ્રવાસન મંત્રી જયવીર સિંહે કહ્યું છે કે પ્રવાસન વિભાગ આસ્થાના મેળાવડા પ્રયાગરાજ મહાકુંભમાં ડ્રોન શોનું આયોજન કરવા જઈ રહ્યું છે.
આ શો 24 થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશે. મેક ઇન ઈન્ડિયા ડ્રોન ત્રિવેણી સંગમના આકાશમાં મહાકુંભની આધ્યાત્મિક કથાને નવા અને અનોખા સ્વરૂપમાં રજૂ કરશે. તેમાં સમુદ્ર મંથન અને કુંભ કળશની ગાથા બતાવાશે. 24 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ દિવસ, 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્યટન દિવસ અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના અવસરે ડ્રોન-શોનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ મહાકુંભમાં મૌની અમાવસ્યા અને વસંત પંચમીના દિવસે આ કામ પર પ્રતિબંધ, CM યોગીની કડક સૂચના
ડ્રોન શો અંતર્ગત સમુદ્ર મંથનની કથા, તેમાંથી ઉત્પન્ન થયેલા 14 રત્નોનો પ્રસંગ પણ દર્શાવાશે. આ ઉપરાંત ભગવાન શિવનું શૌર્ય અને કુંભ કળશ જેની દિવ્ય બુંદ પડવાથી મહાકુંભની શરૂઆત થઈ હતી તે પણ દર્શાવવામાં આવશે. આ સાથે ઓમના પવિત્ર જાપ પણ થશે, જે વાતાવરણને પવિત્ર કરશે. આ ત્રણ દિવસમાં 2500 ડ્રોન વિવિધ ધાર્મિક અને પ્રાસંગિત તસવીરો રજૂ કરશે. ભક્તો અને પ્રવાસીઓ સાંજે ફ્રીમાં ડ્રોન શો નિહાળી શકશે.