અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાની નામાંકિત ડોક્ટરો સાથે ચર્ચા; રાજ્યનાં દરેક જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બનાવાશે
19 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરના જજીસ બંગલો પાસે આવેલી ITC નર્મદા હોટલ ખાતે ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડા અમદાવાદ તેમજ ગુજરાતના નામાંકિત,પદ્મભૂષણ તથા પદ્મભૂષણ શ્રી મેળવનાર અને મેડિકલની અલગ અલગ ક્ષેત્રોમાં બહોળો અનુભવ ધરાવતા ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટરો સાથે ગુજરાતની આરોગ્ય પરિસ્થિતિની ચર્ચા કરી હતી. જેમાં રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ પણ જોડાયા હતા.
આરોગ્ય મંત્રી જેપી નડ્ડાનો આરોગ્ય ક્ષેત્રે બહોળો અનુભવ
ભાજપ નેતા ડો. અનિલ પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આજના કાર્યમાં પદ્મભૂષણ હોય કે પદ્મભૂષણ શ્રી મેળવનાર હોય વિવિધ જિલ્લા અને રાજ્યોમાં તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ જેમણે કામગીરી કરી હોય એવા ડોક્ટરો સાથે નડ્ડાજીનો વાર્તાલાપ હતો. આ અગાઉ પણ નડ્ડાજી જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા. ત્યારે અમદાવાદના રાજપથ ક્લબમાં 80 થી 100 નામાંકીત ડોક્ટરો સાથે તેમણે મહત્વની બાબતો ઉપર વાર્તાલાપ કર્યો હતો. આરોગ્ય મંત્રી જેપી નડ્ડાનો આરોગ્ય મંત્રી તરીકે બહોળો અનુભવ છે. અગાઉ પણ તેમણે અલગ અલગ મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતો પાસેથી સુધારા વધારા માટેના સૂચનો મેળવ્યા હતા. અને તેનો રાષ્ટ્રીય ક્ષેત્રે અમલ પણ કરવામાં આવ્યો હતો.
સમગ્ર દેશમાં 30% થી વધુ મેડિકલ ક્ષેત્રનું કાર્ય ગુજરાતમાં
ડો. પટેલે ઉમેર્યું હતું કે નડ્ડાજી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અંડર ગ્રેજ્યુએટ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તમામમાંની બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે આરોગ્ય ક્ષેત્રમાં બહુ જબરજસ્ત ક્રાંતિ ગુજરાત અને દેશના લેવલે થઈ છે. ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મેડિકલ ક્ષેત્રે મોટું હબ બની ગયું છે. સમગ્ર દેશમાં જેટલું મેડિકલ ક્ષેત્રે કામ થઈ રહ્યું છે તેમાંથી 30% કરતાં પણ વધારે એકમાત્ર ગુજરાતમાં થઈ રહ્યું છે. ખાસ કરીને 2047 સુધીમાં આરોગ્ય ક્ષેત્રે ભારતનું વિઝન નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક મેડિકલ કોલેજ બનવી જોઈએ તેવા વિચારો નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા મૂકવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદના આંગણે વિવિધ ક્ષેત્રના રાષ્ટ્રીય ડોક્ટરો સાથે નડાજીની બેઠક થઈ છે, જે મેડિકલ ક્ષેત્રે નિર્ણાયક ગણાશે.
અત્રે મહત્વનું છે કે હેલ્થ કેર એક્સ ડાયલોગ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ હાજરી આપી અને ચર્ચા પણ કરી છે. આ સાથે જ મેડિકલ ટુરીઝમના ગુજરાતની કામગીરી બાબતે પણ ચર્ચા થઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીનું ડોક્ટરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.