અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ખ્યાતિ કેસઃ કોર્ટે કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Text To Speech

અમદાવાદ, તા.19 જાન્યુઆરી, 2024: ખ્યાતિ કેસના આરોપી કાર્તિક પટેલના કોર્ટે આજે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

સરકારી વકીલ દ્વારા અલગ અલગ 12 મુદ્દાઓ રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હોસ્પિટલમાં કાર્તિક પટેલના કહેવાથી જ તમામ કામગીરી થતી હતી. આરોપીના વકીલ અંકિત શાહે રજૂઆતમાં જણાવ્યું હતું કે, રિમાન્ડ આપવા કે નહીં તે કેસની હકીકત અને પુરાવા પર આધારિત હોય છે. ગઈકાલે સવારે કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

આ મામલે પ્રથમ ડોક્ટર વઝીરાણી બાદ ખ્યાતિ કાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયા હતા. જેઓ હાલ રિમાન્ડ પર છે અને આ ત્રિપુટીએ કેટલા લોકોને કેટલાનો ચૂનો લગાવ્યો એ અંગેની તપાસ પોલીસ કરી રહી છે ત્યારે ખ્યાતિ કાંડનાં ફરાર ડાયરેક્ટર કાર્તિક પટેલના રિમાન્ડ મંજૂર થતા હવે અનેક ખુલાસાઓ થઈ શકે છે.

આ પણ વાંચોઃ ખ્યાતિકાંડ: 9મો આરોપી કાર્તિક પટેલની ધરપકડ બાદ ACPએ કર્યા ખુલાસા જાણો શું કહ્યું

Back to top button