ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન માટે 32 નગરપાલિકાઓને સોલાર-પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી


- ૬૦ સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા રૂ. ૪૫.૩૭ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી
ગાંધીનગર, 18 જાન્યુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન અને ઉપયોગથી વીજબિલમાં ઘટાડો કરવા સાથે તેમને આત્મનિર્ભર બનાવવાના હેતુથી નગરપાલિકાઓને સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફંડ ફાળવવાનું સુનિશ્ચિત કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્યની નગરપાલિકાઓ પોતાના વિસ્તારોના સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, પંપિગ સ્ટેશન્સ અને વોટર વર્ક્સ તેમ જ નગરપાલિકાઓના બાંધકામોમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, અત્યાર સુધીમાં રાજ્યની ૬૩ નગરપાલિકાઓને ૧૩૬ સ્થળોએ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા રૂ. ૧૧૪.૩૪ કરોડ મંજૂર કર્યા છે. એટલું જ નહિ રાજ્યની ૫૫ નગરપાલિકાઓએ ૯૭ સ્થળો પર આવી કામગીરી પૂર્ણ કરી લીધી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુને વધુ નગરપાલિકાઓ આવા સોલાર પ્લાન્ટ સ્થાપિત કરીને પોતે સોલાર એનર્જી જનરેશન અને તેના ઉપયોગથી વીજબિલ ખર્ચ ઘટાડી શકે અને આત્મનિર્ભર બને તેવા અભિગમને વ્યાપક બનાવવાની નેમ રાખી છે. તેમણે આ માટે રાજ્યની વધુ ૩૨ નગરપાલિકાઓને ૬૦ સ્થળો પર કુલ ૬.૭ મેગાવોટના સોલાર પ્લાન્ટ સ્થાપવા રૂ. ૪૫.૩૭ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ થવાથી ભવિષ્યમાં તેમના વીજબિલોમાં અંદાજે ૫૦ ટકા સુધીની બચત થઈ શકશે એવો અંદાજ છે.
આ પણ વાંચો :- જસ્ટિસ શેખર યાદવ સામે ફરિયાદ કરવા આદેશ આપો, SCના 13 વકીલોએ CJIને લખ્યો પત્ર