કોલકાત્તા : આરજી કર કોલેજ રેપ-મર્ડર કેસમાં આજે ચુકાદો આવવાની શક્યતા, જાણો શું છે CBIની માંગ


કોલકાતા, 18 જાન્યુઆરી : કોલકાતાના પ્રખ્યાત આરજી કર રેપ-મર્ડર કેસમાં આજે ચુકાદો આવી શકે છે. 9 ઓગસ્ટ, 2024 ના રોજ, હોસ્પિટલના કોન્ફરન્સ રૂમમાંથી 31 વર્ષીય મહિલા તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં પહેલા ડોક્ટર પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
આ ઘટના સામે ડોક્ટરોએ લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી. કેસની ઇન-કેમેરા સુનાવણી 12 નવેમ્બરથી શરૂ થઈ હતી અને કુલ 50 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી 9 જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી.
કોણ છે મુખ્ય આરોપી?
આ કેસમાં મુખ્ય આરોપી સંજય રોય છે. 9 ઓગસ્ટના રોજ બનેલી ઘટના બાદ પોલીસે 10 ઓગસ્ટના રોજ સંજય રોયની ધરપકડ કરી હતી. પીડિતાના શરીર પાસે બ્લૂટૂથ ઇયરફોન મળી આવતા પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી કારણ કે તે સીસીટીવી કેમેરા ફૂટેજમાં તેના ગળામાં ઉપકરણ સાથે સેમિનાર હોલમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. કોલકત્તા હાઈકોર્ટે બાદમાં આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો. હાઈકોર્ટે પોલીસ અને રાજ્ય સરકાર સામે પણ આકરી ટીપ્પણી કરી હતી.
સીબીઆઈએ ફાંસીની સજાની માંગ કરી છે
સીબીઆઈએ મુખ્ય આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે. જણાવી દઈએ કે સીબીઆઈએ આ મામલામાં પુરાવાનો નાશ કરવાના આરોપમાં પૂર્વ આરજી કર પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશન ઓફિસર અભિજીત મંડલની પણ ધરપકડ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઘોષના કાર્યકાળ દરમિયાન નાણાકીય અનિયમિતતાઓમાં CBI દ્વારા નોંધાયેલા કેસના આધારે પણ તપાસ કરી રહી છે. જોકે, ઘોષ અને મંડલને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :- પૂર્વોત્તર ક્ષેત્રમાં મૂડી રોકાણ આકર્ષવા અમદાવાદમાં સેમિનાર યોજાયો