અમદાવાદઃ નરોડા પોલીસ વાન 2 ઇંગલિશ દારૂની બોટલ અને 30 હજાર રોકડ સાથે પોલીસકર્મી પકડાયા; જાણો કઈ રીતે બુટલેગરે ખેલ પાડ્યો?


17 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરના નરોડા વિસ્તારના ગેલેક્સી ચાર રસ્તા પાસે પીસીઆર વાનમાં ફરજ બજાવતા એક હોમગાર્ડ અને પીસીઆર વાનના ઇન્ચાર્જ આસપાસના વિસ્તારથી રીક્ષામાંથી એક કાળા કલરની બેગ વિદેશી દારૂની સીલ બંધ બોટલો મેળવી લઈ વેચાણ કરી રોકડી કરવાનું વિચાર્યું હતું, જેની જાણ નરોડાના ઈન્ચાર્જ પીઆઈને થતા બંને પોલીસ કર્મીઓને ત્યાં પીસીઆર વનમાં રેડ કરી બે ઇંગ્લિશ દારૂની બોટલ અને 30,000 રૂપિયા રોકડ સાથે ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે.
હોમગાર્ડ વિક્રમસિંહ થેલો લઈને ભાગવાનો પ્રયાસ કર્યો
નરોડા પોલીસના જણાવ્યા મુજબ નરોડા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન નંબર 91માં મોબાઈલ વાનના ઇન્ચાર્જ સતીશ જીવણજી ઠાકોર અને તેમની સાથે હાજર રહેલા હોમગાર્ડ વિક્રમસિંહ રણજીતસિંહ રાજપુતે એમના વિસ્તારમાંથી કોઈ રિક્ષામાંથી કાળા કલરની બેગમાં વિદેશી દારૂની સીલ બંધ બોટલો પીસીઆરમાં રાખી હતી. જેની જાણ ઇન્ચાર્જ PI એ. આર. ધવનને થઈ હતી. PI દ્વારા તપાસના આદેશ અપાયા અને વોચ ગોઠવી ધરપકડ કરવા જતા હોમગાર્ડ વિક્રમસિંહે થેલો લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ દ્વારા તેને રોકી દારૂની બે બોટલ અને 30,000 રૂપિયા રોકડા કબજે કર્યા હતા. જોકે હાલ બંનેની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
બુટલેગરે જ ખેલ પાડી દીધો
મળતી માહિતી મુજબ આ બંને પોલીસ કર્મચારીઓએ PCR વાનની ડ્યુટી મુજબ ઇંગ્લિશ દારૂની બોટલ મેળવી રોકડી કરવાનો વિચાર કર્યો હતો. જે બુટલેગર પાસેથી દારૂ મેળવ્યો હતો તેણે જ આ અંગે પોલીસને જાણ કરી હતી. જંગે તપાસ કરાતા બંને પોલીસ કર્મચારી રંગે હાથ ઝડપાયા હતા.