અમદાવાદઃ પિતા છૂટું થઈ જતા પ્રેમિકાએ બાળકીઓને લાકડીઓથી માર માર્યો; હોટલમાં કરાવે છે મજુરી; વેજલપુર PI દોડી આવ્યા
17 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનના જુહાપુરા ચોકી ખાતે પાંચ વર્ષ અને સાત વર્ષની બે બાળકીઓને લાકડીઓ અને સાધનો વડે સતત બે મહિના સુધી પોતાના પિતાની પ્રેમિકા દ્વારા મારવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જોકે બનાવ બનતા અત્યાચાર કરનારી મહિલા હાલ ફરાર છે. આ અંગે વેજલપુર પીઆઇ આર એમ ચૌહાણની સૂચના મુજબ મહિલાને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પિતાને મળવાની લાલચ આપી ઢોર માર્યો
બનાવમાં પીડા સહન કરનાર દીકરીઓ અને તેમના દાદીએ એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે દીકરીઓના પિતા એનડીપીએસના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે તેના પિતાનું પહેલી પત્ની સાથે છૂટું થઈ જતા તેની બે દીકરીઓ છેલ્લા ઘણા સમયથી દ્વારકા ખાતે તેના દાદા દાદી સાથે રહે છે. જોકે બંને દીકરીઓ નાની હોવાથી તેના પિતાને મળવાની જીદ પકડતા પોતાના પિતાની પ્રેમિકા મહિલા અમદાવાદના જુહાપુરા ખાતે રહેતી હોવાથી ત્યાં રહેવા આવી હતી. અને સામે એ મહિલાએ પણ તેમના પિતાને મળાવી આપશે તેવી લાલચ આપી પોતાની પાસે રાખ્યા હતા. જોકે છેલ્લા બે મહિનાથી સતત બંને દીકરીઓ પાસેથી આ મહિલા હોટલોમાં તથા અલગ અલગ મજૂરીઓ કામ કરાવે છે. અને બે મહિનાથી સતત ગળાના ભાગે, પગના ભાગે, પીઠના ભાગે અને મોઢે અલગ અલગ સાધનો વડે મારે છે અને અત્યાચાર ગુજારે છે.
દીકરીઓને દુર્દશા જોઈને દાદી રડી પડ્યા
ભારતના બંધારણ મુજબ 14 વર્ષની નીચેના બાળકોને કોઈપણ જગ્યાએ મજૂરી અર્થે મોકલવો એ કાયદાકીય રીતે ગુનો બને છે. અમુક ઉંમર સુધી ભણાવવાએ બંધારણીય અધિકાર છે. પરંતુ અહીંયા બંને દીકરીઓને મજુરી કરાવવાની સાથે રોજ મારવામાં આવતો હતો. તેમના દાદીને અચાનક જાણ કરતા તેઓ અમદાવાદ આવીને રડી પડ્યા છે. અને પોલીસ સ્ટેશને પહોંચી ન્યાયની માંગણી કરી રહ્યા છે. સાથે પોતાની બંને દીકરીઓને ફરીથી દ્વારકા ખાતે લઈ જવા માટે પહોંચી ગયા હતા.
આ અંગે વેજલપુર પીઆઇ ચૌહાણ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે જુવે નાઇલ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.