દક્ષિણ ભારતમાં જલિકટ્ટુ દરમિયાન સાતનાં મૃત્યુ, 400થી વધુ ઘાયલ
ત્રીચી, 17 જાન્યુઆરી, 2025: દક્ષિણ ભારતમાં આજે પરંપરાગત જલિકટ્ટુ રમત દરમિયાન ઓછામાં ઓછા સાત માણસો મૃત્યુ પામ્યા હતા અને 400થી વધુ ઘાયલ થયા હતા. જલિકટ્ટુ એ બળદ સાથે જોડાયેલી રમત છે અને દર વર્ષે રમાય છે. જોકે, ઘણાં વર્ષ પછી આ પરંપરાગત ઉત્સવમાં મૃત્યુ અને ઈજાની ઘટનાઓ બની છે.
અહેવાલ મુજબ, જલિકટ્ટુ દરમિયાન આ ઘટના ગઈકાલે ગુરુવારે 16 જાન્યુઆરીતે બની હતી અને જે સાત વ્યક્તિ મૃત્યુ પામ્યા તેમાં છ તો એ રમતને જોવા આવેલા પ્રેક્ષકો હતા.
કેરળના શિવગંગા જિલ્લામાં સિરવયાલ ખાતે જલિકટ્ટુ દરમિયાન બળદ સાથે રમતો એક ખેલાડી ગંભીર રીતે ઘાયલ થયો હતો જેનું ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. અન્ય એક ઘટનામાં મદુરાઈ ખાતે જલિકટ્ટુ દરમિયાન એક પ્રેક્ષક માર્યો ગયો હતો. એ જ રીતે સાલેમ જિલ્લામાં પણ જલિકટ્ટુની રમત દરમિયાન બળદો બેફામ દોડતાં બીજા બે પ્રેક્ષકોએ જીવ ગુમાવ્યા હતા.
કૃષ્ણાગીરી જિલ્લાાં બળદોની સ્પર્ધા દરમિયાન બે વ્યક્તિ માર્યા ગયા હતા. મળતા અહેવાલો મુજબ પુડુકોટ્ટી, કરૂર તથા ત્રીચી જિલ્લાઓમાં જલિકટ્ટુ ઉત્સવ દરમિયાન 156 જણને ઈજાઓ થઈ હતી. પુડુકોટ્ટીની ઈવેન્ટમાં 607 બળદ સામેલ હતા અને તેમની સામે 300 યુવાનો બળદોને નિયંત્રણ કરવાની રમતમાં સામેલ થયા હતા.
આ સિવાય રાચંદર તિરુમલાઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં એક પ્રેક્ષકે જીવ ગુમાવ્યો હતો અને બીજા અનેક ઘાયલ થયા હતા. પુડુકોટ્ટીમાં 638 બળદ અને 232 યુવાનોને ભાગ લેવાની પરવાનગી મળી હતી. આ ઈવેન્ટ દરમિયાન કુલ 32 જણ ઘવાયા હતા. જ્યારે ત્રીચીની ઈવેન્ટમાં 25 પ્રેક્ષકો સહિત 56 નાગરિકો, રમતમાં ભાગ લેનાર 21 યુવનો, બળદોના 10 માલિકોને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે.
નોંધપાત્ર છે કે, અગાઉનાં વર્ષોમાં આવી ઘટનાઓને આગળ ધરીને જલિકટ્ટુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, થોડાં વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે આ એક પરંપરાગત તહેવાર છે એ દલીલને માન્ય રાખીને તેને ફરી ચાલુ કરવામાં આવી હતી. જોકે હવે ગઈકાલનાં મૃત્યુ અને ઘવાયેલાઓની સંખ્યા બાદ ફરી જલિકટ્ટુ વિવાદમાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકર અને ડી ગુકેશને ખેલરત્નનું સન્માન પ્રાપ્ત, 32 ખેલાડીઓને મળ્યા અર્જુન એવોર્ડ