લગ્ન માટે ઈનકાર કરવો તે આત્મહત્યા માટે ઉશ્કેરણી? હાઈકોર્ટે સંભળાવ્યો નિર્ણય

HD ન્યૂઝ ડેસ્ક : બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે તાજેતરમાં એક કેસની સુનાવણી કરતી વખતે અવલોકન કર્યું હતું કે ફક્ત લગ્ન કરવાનો ઇનકાર કરવાથી આત્મહત્યા માટે ઉશ્કેરણી થતી નથી. કોર્ટે કહ્યું છે કે કોઈ વ્યક્તિને ફક્ત એટલા માટે આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુનામાં દોષિત ઠેરવી શકાય નહીં કારણ કે તેણે કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં, જસ્ટિસ ઉર્મિલા જોશી ફાળકેની સિંગલ બેન્ચે તેની ભૂતપૂર્વ પ્રેમિકાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપીને નિર્દોષ જાહેર કર્યો. આ વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
બુલઢાણાના એક કેસ અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. ૩ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ, મહારાષ્ટ્રના બુલઢાણામાં એક યુવતીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી. મળતી માહિતી મુજબ, પીડિતા નવ વર્ષથી આરોપી સાથે પ્રેમ સંબંધમાં હતી. તેના મૃત્યુ પછી, તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ તેની પુત્રી સાથેના સંબંધો તોડીને તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. આત્મહત્યા કરતા પહેલા, યુવતીએ તેની સુસાઇડ નોટમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે તે વ્યક્તિએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો, જેનાથી તેને આઘાત લાગ્યો હતો.
જોકે, કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે એવા કોઈ પુરાવા નથી કે તેણે પીડિતાને કોઈપણ રીતે ઉશ્કેરી હોય. 15 જાન્યુઆરીના રોજ આપેલા ચુકાદામાં, કોર્ટે કહ્યું, “ક્યાંય એવું દેખાતું નથી કે પુરુષે ક્યારેય મૃતકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હોય. તેનાથી વિપરીત, પુરાવા દર્શાવે છે કે પીડિતાએ બ્રેક-અપ પછી પણ તે સતત તે પુરુષના સંપર્કમાં અને વાતચીતમાં હતી. તેથી, આવી સ્થિતિમાં, ફક્ત એટલા માટે કે અરજદારે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો, તે મૃતકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા સમાન નથી.”
ઉલ્લેખનીય છે કે આરોપો લાગ્યા બાદ, વ્યક્તિએ પહેલા મુક્તિ માટે સેશન્સ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો જે ફગાવી દેવામાં આવ્યો, ત્યારબાદ તેણે હાઇકોર્ટનો સંપર્ક કર્યો. તે માણસના વકીલે દલીલ કરી હતી કે બ્રેકઅપ પછી પણ બંને વાતચીત કરતા રહ્યા હતા.
આ પણ વાંચો : ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે પ્રશંસા મળી રહી છેઃ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુ