અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને આઠ વર્ષની કેદઃ એના ભયંકર અપરાધ વિશે જાણશો તો…


અમેરિકા, 17 જાન્યુઆરી 2025 : અમેરિકામાં એક ભારતીયને વ્હાઇટ હાઉસ પર હુમલો કરવાનો પ્રયાસ કરવા બદલ આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ગુરુવારે, એક યુએસ કોર્ટે સાઈ વર્ષિત કંડુલાને હુમલાનો દોષી ઠેરવ્યો. વીસ વર્ષના સાઈએ 22 મે 2023 ના રોજ આ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે આ હુમલાનો ઉદ્દેશ્ય લોકશાહી રીતે ચૂંટાયેલી યુએસ સરકારને ઉથલાવી પાડવાનો હતો જેથી તેની જગ્યાએ નાઝી વિચારધારાથી પ્રેરિત સરમુખત્યારશાહી શાસન આવે.
માહિતી અનુસાર, સાઈ કંડુલાએ બાદમાં અમેરિકન સંપત્તિને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા અને તોડફોડ કરવાના આરોપો સ્વીકાર્યા. તે ‘ગ્રીન કાર્ડ’ ધરાવતો યુનાઇટેડ સ્ટેટ્સનો કાયદેસર કાયમી નિવાસી છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, સાઈ 22 મે, 2023 ના રોજ બપોરે સેન્ટ લુઇસ, મિઝોરીથી વોશિંગ્ટન જવા રવાના થયો હતો અને લગભગ 5:20 વાગ્યે ડલ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતા. અહીં તેણે સાંજે 6.30 વાગ્યે એક ટ્રક ભાડે લીધી અને હુમલો કર્યો.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
આ પછી કંડુલા વોશિંગ્ટન ડીસી તરફ આગળ વધ્યો. રાત્રે 9:34 વાગ્યે, તેણે વ્હાઇટ હાઉસ અને પ્રેસિડેન્ટ પાર્કની સુરક્ષા કરતા બેરિકેડમાં ટ્રકને અથડાવી દીધી. તેણે ટ્રક ફૂટપાથ પર હંકારી દીધી, જેના કારણે ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. ઘટનાને અંજામ આપ્યા પછી, સાઈ ટ્રકમાંથી બહાર નીકળી ગયો અને પાછળ ગયો. અહીં તેણે પોતાની બેગમાંથી નાઝી ધ્વજ કાઢ્યો અને તેને લહેરાવ્યો. ન્યાય વિભાગે જણાવ્યું હતું કે યુએસ પાર્ક પોલીસ અને યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓએ ઘટનાસ્થળેથી કંડુલાની ધરપકડ કરી હતી અને તેને કસ્ટડીમાં લીધો હતો.
પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે સરકાર પર નિયંત્રણ મેળવીને રાષ્ટ્રપતિ જો બાઈડનની હત્યા કરવા માંગતો હતો. આ માટે 6 મહિનાથી પ્લાનિંગ કરી રહ્યો હતો. ભારતના ચંદનગરમાં જન્મેલો કંડુલા અમેરિકાનો કાયમી નિવાસી હતો અને તેની પાસે ગ્રીન કાર્ડ હતું.
આ પણ વાંચો : કોંગ્રેસે ખટખટાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા, જાણો ક્યા મામલે આપ્યો પડકાર?