સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની BCCIમાં એન્ટ્રી, જસ્ટિસ અરુણ મિશ્રા નવા લોકપાલ બન્યા


નવી દિલ્હી, 17 જાન્યુઆરી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અરુણ મિશ્રાને લોકપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. આ સિવાય તેઓ એથિક્સ ઓફિસર તરીકે પણ કામ કરતા જોવા મળશે. અરુણ મિશ્રા વર્ષ 1989 અને 1995માં મધ્યપ્રદેશ બાર કાઉન્સિલ માટે રેકોર્ડ મતો સાથે ચૂંટાયા હતા.
વર્ષ 1998માં તેઓ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઈતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા. તેઓ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જજ પણ રહી ચૂક્યા છે. વર્ષ 2010માં તેઓ રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા અને કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચૂક્યા છે.
તાજેતરમાં બીસીસીઆઈની અંદર કેટલીક અન્ય પોસ્ટ્સ પર પણ નવી નિમણૂકો કરવામાં આવી છે. જય શાહે ગયા વર્ષે ડિસેમ્બરમાં ICC અધ્યક્ષ બન્યા બાદ BCCI સેક્રેટરીનું પદ છોડી દીધું હતું. આવી સ્થિતિમાં ગત રવિવારે બોર્ડે ખાસ સામાન્ય સભા બોલાવી હતી.
આ જ બેઠકમાં નવા સેક્રેટરી તરીકે દેવજીત સૈકિયા અને નવા ખજાનચી તરીકે પ્રભતેજસિંહ ભાટિયાની નિમણૂક કરવામાં આવી હતી. જસ્ટિસ અરુણ મિશ્રાની વાત કરીએ તો તેમનો જન્મ 3 સપ્ટેમ્બર 1955ના રોજ ગ્વાલિયરના એક વકીલ પરિવારમાં થયો હતો. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કલકત્તા હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે તેમણે લગભગ 97,000 કેસોમાં ચુકાદો આપ્યો હતો.
બીસીસીઆઈમાં નવી નિમણૂંકોની શ્રેણી
બીસીસીઆઈની અંદર નવી નિમણૂકોની પ્રક્રિયા અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. નવા સેક્રેટરી દેવજીત સૈકિયા, ટ્રેઝરર પ્રભતેજ સિંહ અને હવે લોકપાલ જસ્ટિસ અરુણ મિશ્રા ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમને નવો બેટિંગ કોચ પણ મળ્યો છે.
ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ BCCIએ એક સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં કેટલાક અહેવાલો અનુસાર ગૌતમ ગંભીરે બેટિંગ કોચની માંગણી કરી હતી. બોર્ડે આ માંગ સ્વીકારી લીધી છે અને ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ કોચ તરીકે સિતાંશુ કોટકની નિમણૂક કરી છે.
આ પણ વાંચો :- બનાસકાંઠા : છાપી ગામના મહિલા સરપંચના પતિ વતી વચેટીયો રૂ.15 લાખની લાંચ લેતો ઝડપાયો