ડીસાની આદર્શ સ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને રક્ષાબંધન પર્વની ઉજવણી
પાલનપુર: ડીસા ખાતે કાર્યરત આદર્શ વિદ્યા સંકુલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ રક્ષાબંધન પર્વ નિમિત્તે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હાલમાં વિવિધ કાર્યક્રમો દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દરેક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો થાય તે માટે સરકાર કટિબદ્ધ બની છે. અને વિવિધ શાળાઓમાં કાર્યક્રમો થકી આઝાદીના 75 વર્ષની લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે પણ આઝાદીના 75 વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના બાળકોએ રાષ્ટ્રધ્વજ તેમજ 75 વર્ષનું અદભુત દ્રશ્ય બનાવી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ આવતીકાલે રક્ષાબંધનનું પર્વ છે અને રક્ષાબંધનના પર્વને લઈ ઠેર -ઠેર વિવિધ શાળાઓમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે તમામ વિદ્યાર્થીનીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી. તો આ તરફ શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોએ પણ શિક્ષિકાઓ પાસે રાખડી બંધાવી અને રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં નાની બાળકીઓએ કુમકુમ તિલક ચોખા તેમજ રાખડી બાંધી પોતાના વહાલ સોયા ભાઈને આશીર્વાદ આપ્યા હતા.