સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કમલેશ વિરુદ્ધ વિદ્યાર્થિની પર દુષ્કર્મનો આરોપ


ભરૂચ, 13 જાન્યુઆરી, 2025: ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલ ફરાર થઈ ગયો છે કેમ કે તેના ઉપર સ્કૂલની એક સગીર વિદ્યાર્થિની ઉપર બે વખત દુષ્કર્મ કરવાનો આરોપ છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર 45 વર્ષના ફાધર કમલેશ વિરુદ્ધ આ છોકરીએ શનિવારે ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફાધર કમલેશે સગીર વિદ્યાર્થિની ઉપર ફેબ્રુઆરી 2022માં અને ત્યારબાદ 1 ડિસેમ્બર, 2024 એમ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ કેસની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ. ચૌધરીને સોંપવામાં આવી હોવાનું ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ફાધર વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અનુસાર, ફેબ્રુઆરી 2022માં વિદ્યાર્થિની 10મા ધોરણમાં હતી ત્યારે ફાધર કમલેશે છોકરીને કામના બહાને તેની કેબિનમાં બોલાવી હતી. ત્યાં તેણે વિદ્યાર્થિનીને બાંધી દઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ કોઈને નહીં કહેવાની ધમકી આપી હતી અન્યથા તેનું એડમિશન કેન્સલ કરાવી દેશે એમ કહ્યું હતું. પ્રિન્સિપાલ ફાધરના આ કૃત્યથી ડઘાઈ ગયેલી વિદ્યાર્થિનીએ ડરના માર્યા કશું નહીં બોલવાનું પસંદ કર્યું. જોકે, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો આ પ્રિન્સિપાલ ત્યાંથી અટક્યો નહોતો અને સ્કૂલના એક વૉટ્સએપ ગ્રુપમાંથી એ વિદ્યાર્થિનીનો નંબર મેળવીને તેને અશ્લીલ મેસેજ અને ફોટા મોકલવાનું શરૂ કર્યું હતું.
વિદ્યાર્થિનીએ તેની ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પહેલી ડિસેમ્બર 2024ના રોજ સ્કૂલના એક કાર્યક્રમમાં હાજરી આપવા તે આવી ત્યારે સાંજે સાત વાગ્યે ફાધર કમલેશે વિદ્યાર્થિનીને એક ક્લાસ પાસે આંતરી હતી અને તેને અંદર લઈ જઈ ફરી દુષ્કર્મ કર્યું હતું.
જોકે હવે છોકરીથી આ અત્યાચાર સહન ન થતાં તેણે તેનાં માતા-પિતાને વાત કરી જેને પગલે ગત શનિવારે પ્રિન્સિપાલ ફાધર કમલેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોતાની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે એ વાતની જાણ થતા જ ફાધર કમલેશ ભાગી ગયો છે અને પોલીસ તેને શોધી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઝેવિયર્સના આ ફાધર વિરુદ્ધ પોસ્કોની વિવિધ કલમો સહિત આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કચ્છમાં પાકિસ્તાની નાગરિકનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ સૈનિકોએ પકડી પાડ્યો