ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતવાયબ્રન્ટ ગુજરાત સમિટ

ગુજરાતના વિવિધ માર્ગો ફોરલેન કરવા રાજ્ય સરકારે કરી આટલા કરોડની ફાળવણી, જાણો કયા વિસ્તારોને લાભ થશે?

 

રાજ્ય સરકારનો નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાયુક્ત માર્ગો આપવાનો લોકહિતકારી અભિગમ

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માર્ગો ફોરલેન કરવા તથા મેજર બ્રિજ બનાવવા માટે એક જ દિવસમાં કુલ ૨૯૪ કરોડ રૂપિયા ફાળવ્યા
———–
આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં દમણગંગા નદી પર ભૂરવડ ગામે રૂપિયા ૨૬ કરોડનો મેજર બ્રિજ મંજૂર: ૧૬ આદિજાતિ ગામોની ૨૩ હજારથી વધુ જનસંખ્યાને અવરજવર માટે સરળતા થશે.
———–
ઉત્તર ગુજરાતના વિસનગર-વિજાપુર ૨૪ કિલોમીટર માર્ગને ફોરલેન કરવા ૧૩૬ કરોડ રૂપિયા
મહેસાણા જિલ્લામાંથી હિંમતનગર-ઈડર-લુણાવાડા-મોડાસા તરફ જતા વાહનો માટે યાતાયાત વધુ સુવિધાયુક્ત થશે
———-
મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આણંદ-કરમસદ-સોજીત્રા રોડ ૧૩૨ કરોડના ખર્ચે ફોરલેન થશે
———-

મહેસાણા, 13 જાન્યુઆરી 2025 :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અવિરત વિકાસની ધોરીનસ સમાન રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવા સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પણ લોકમાંગણી મુજબની રોડ કનેક્ટિવિટી મળે તેવો જનહિતકારી અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યના આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં મેજર બ્રિજ નિર્માણ સહિત ઉત્તર ગુજરાતના વિસનગર, વિજાપુર માર્ગને ફોર લેન કરવા સાથે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવેને વધુ સુવિધા આપવા એક જ દિવસમાં સમગ્રતયા ૨૯૪ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના આદિજાતિ વિસ્તાર કપરાડાના ૧૬ જેટલા ગામોની ૨૩ હજારથી વધુ વસ્તીને અવરજવર માટે સગવડ મળે તે માટે દમણગંગા નદી પર મેજર બ્રિજના કામ માટે ૨૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

કપરાડાના ભૂરવડથી દમણગંગા નદીના સામા કાઠાંના ટુકવાડાને જોડતા બ્રિજનું નિર્માણ આ રકમ માંથી થશે. આના પરિણામે શાળાએ જનારા આદિજાતિ ગ્રામીણ વિદ્યાર્થીઓ, ખાનવેલ અને સેલવાસ જી.આઈ.ડી.સી.માં નોકરી-રોજગારી માટે જતા લોકોને અવરજવરમાં વધુ સુગમતા મળશે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજ્યના વધુ બે માર્ગોને પણ ફોરલેનમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, મહેસાણા જિલ્લાના વિસનગરથી વિજાપુરના ૨૪ કિલોમીટરના માર્ગને હાલની ૭ મીટર પહોળાઈથી વધારીને ફોરલેન કરવા માટે ૧૩૬.૧૬ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી પણ તેમણે આપી છે.

વિસનગરથી વિજાપુર જતાં આ માર્ગ પરથી હિંમતનગર, મોડાસા, ઈડર અને મહિસાગરના લુણાવાડા તરફ જતા ભારે વાહનો પસાર થાય છે, તેના ટ્રાફિક-ભારણને તેમ જ અન્ય વાહનો માટે વધુ સુવિધાયુક્ત માર્ગ આપવાના આશયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે.

એટલું જ નહીં, મુખ્યમંત્રીએ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજીત્રા તારાપુર રોડને પણ ૧૦ મીટર પહોળાઈથી વધારીને ચારમાર્ગીય કરવા માટે ૧૩૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ફોરલેન કરવા સાથોસાથ સ્ટ્રક્ચર વર્ક, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિચર તથા અન્ય કામગીરી માટે પણ આ રકમ ઉપયોગમાં લેવાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વાહનવ્યવહાર, તારાપુર, પેટલાદ, સોજીત્રા તાલુકાના નાગરિકો, આણંદ જી.આઈ.ડી.સી.ના વાહનવ્યવહાર તેમજ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળશે.

આ પણ વાંચો : ભાજપે આ બેઠક પર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો, કારણ જાણી ચોંકી જશો

Back to top button