ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અંબોડમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે માણસા તાલુકાના 241 કરોડથી વધુના વિકાસ કામોનું e-ખાતમુહૂર્ત અને e-લોકાર્પણ કર્યું

અંબોડ, 15 જાન્યુઆરી : ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અંબોડ ખાતે માણસા તાલુકાના ૨૪૧ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ ખાતમુહુર્ત અને ઇ લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે આજે માણસા તાલુકામાં 241 કરોડથી વધુ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા છે. શાહની પોતાની જન્મભૂમિને ખૂબ જ વિકસિત જોઈને તેઓએ ખૂબ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

તેઓએ માણસા તાલુકાના સાર્વત્રિક વિકાસ માટે માણસના વતની તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે અંબોડ ખાતેનું મા મહાકાળીનું આ તીર્થધામ દાયકાઓથી લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ બેરેજ બનવાથી માં ના આંગણામાં બારેય મહિના પાણી ભરેલું રહેશે અને આ સ્થળ આનંદ અને શ્રદ્ધાનું સંગમસ્થાન બનશે.

અમિત શાહે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તરસ્યા ગુજરાતની તરસ છીપાવાનું કામ કર્યું છે. તેઓએ ધારાસભા વખતના સંસ્મરણો યાદ કરતા કહ્યું કે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો માટે બોરવેલ બનાવવાની પરમિશન ધારાસભ્યો દ્વારા માગવામાં આવતી હતી અને ડાર્કઝોનના કારણે તે શક્ય બનતું ન હતું.

આ પરિસ્થિતિ બદલવાનો વિચાર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તે વખતે આવ્યો અને કચ્છ સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઊંચા લાવવાનું કામ થયું. તેઓ કહ્યું કે કોંગ્રેસની તમામ અડચણો સંઘર્ષ થકી પાર પાડીને આદરણીય વડાપ્રધાન મોદીજીએ નર્મદા યોજના પૂરી કરી અને વડાપ્રધાન બન્યા બાદ તરત જ દરવાજા નાખવાનું કામ પણ પૂરું કર્યું હતું.

ભરૂચથી ખાવડા સુધી વાયા સુરેન્દ્રનગર થઈને નર્મદા કેનાલ પહોંચાડવામાં આવી. આ નર્મદાના પાણી થકી સમગ્ર ગુજરાતના 9000થી વધુ તળાવમાં પાણી નાખવાનું કામ પૂર્ણ થયું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યની ભાજપા સરકારે સૌની યોજના થકી સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે પાણી પહોંચાડ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ યોજના થકી દરિયામાં વહી જતું પાણી અટકાવી પાણીના તળ ઊંચા આવ્યા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિકસિત થયેલ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકાર ગુજરાતમાં ખૂબ સુપેરે આગળ ધપાવી રહી છે.

અમિત શાહે ઉમેર્યું હતું કે સાબરમતી નદી પર 14 ચેક ડેમ બનવાના કારણે નદી તળાવની આસપાસના વિસ્તારોમાં 40 –  50 ફૂટ જેટલા તળ ઉપર આવશે. તેઓએ કહ્યું કે ઉત્તર ગુજરાતમાં ફ્લોરાઈડ યુક્ત પાણીના કારણે અકાળે વૃદ્ધત્વ આવતું હતું. નર્મદા યોજનાના કારણે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થવાથી આ સમસ્યાનો મહદ અંશે અંત આવ્યો છે.

તેઓએ કહ્યું કે આ બેરેજના નિર્માણથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે સાથે સાથે આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે અને આ તીર્થધામ એક વિશાળ યાત્રાધામમાં પરિવર્તિત પણ થશે.

આ પણ વાંચો :- જામનગરમાં 8 વર્ષની ભાણેજને અડપલાં કર્યા બાદ કૌટુંબિક મામાએ હત્યા કરી

Back to top button