પાટણ: રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શરુ કરી હતી. એ શ્રુંખલાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લામાં આજે 1લી મે- ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત એટલે વિકાસના ઉત્સવનું રાજ્ય, સંસ્કૃતિની સાથે સમૃદ્ધિનું રાજ્ય. સૌના સાથ અને સૌના પ્રયાસથી આત્મનિર્ભર ભારત માટેનું આત્મનિર્ભર રાજ્ય એમ કહેતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યુ કે, પહેલી એપ્રિલની અસરથી રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-01-07-2021ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે કર્યો છે.આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-01-07-2021ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ 3 ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તદાનુસાર પ્રથમ હપ્તો મે-૨૦૨૨ના પગાર સાથે અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1217.44 કરોડનું નાણાકીય ભારણ વધશે