દિલ્હીમાં ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ની થીમ પર ૨૮મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ ૨૦૨૫ યોજાયો
- ભારત મંડપમ ખાતે યુવા દિવસની ઉજવણીમાં ગુજરાતના ૪૫ યુવાનો સહભાગી બનીને PM મોદી સમક્ષ વિકસિત ભારત અંગે પોતાના નવા વિચારો રજૂ કર્યા
- વિકસિત ભારત’ની થીમ પર ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વિઝન પિચ પ્રેઝેન્ટેશનમાં રાજ્યના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો
નવી દિલ્હી, 12 જાન્યુઆરી : ૧૯મી સદીના મહાન વિચારક અને ફિલોસોફર ‘સ્વામી વિવેકાનંદ’ની જન્મજયંતિના સન્માનમાં ભારતમાં દર વર્ષે ૧૨મી જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યુવા દિવસની ઉજવણી ‘ભારત મંડપમ’ નવી દિલ્લી ખાતે કરવામાં આવી હતી. ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ની થીમ પર યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતના ૧૫૦૦ જેટલા યુવાનો કાર્યક્રમમાં સહભાગી બનીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ પોતાના વિકસિત ભારત અંગેના વિચારો રજૂ કર્યા હતા.
આ વર્ષે ભારત સરકારના યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ભારતભરમાં એક પ્રતિયોગીતા રાખવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રશ્નોતરી, નિબંધ સ્પર્ધા અને વિઝન પિચ પ્રેઝેન્ટેશન સહીત વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનો પાસેથી પ્રતિભાવો માંગવામાં આવ્યા હતા.
જે અંતર્ગત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર, દ્વારા આ વર્ષે ‘વિકસિત ભારત’ની થીમ પર ત્રણ તબક્કામાં રાજ્યભરમાં પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ‘વિકસિત ભારત’ની થીમ પર ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વિઝન પિચ પ્રેઝેન્ટેશન યુવાનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રતિયોગિતામાં ગુજરાત માંથી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષની વયના ૮૩ હજાર ઉમેદવારોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ક્વિઝ સ્પર્ધા બાદ શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ‘વિકસિત ભારત ચેલેન્જ’ની ૧૦ મુખ્ય થીમ આધારીત ૧૦૦૦ શબ્દોમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં નિબંધ લેખનની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય માંથી ૮૭૦ જેટલા ઉમેદવારોએ ઓનલાઈન નિબંધ સબમિટ કર્યા હતા.
કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા નિબંધ સ્પર્ધા બાદ સ્ટેટ રાઉન્ડ ચેમ્પિયનશીપમાં ‘વિઝન પિચ પ્રેઝન્ટેશન’ રાઉન્ડનું આયોજન ઇન્ડિયન ઇ્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ગાંધીનગર ખાતે ૨૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ કરવામાં આવ્યું હતું .જેમાં ૪૫ જેટલા ગુજરાતના ઉમેદવારોને પસંદ કરીને રાજ્યકક્ષાની ટીમ બનાવવામાં આવી હતી. આ યુવાઓ PM નરેન્દ્રભાઈ મોદી સમક્ષ તા. ૧૧ થી ૧૨મી જાન્યુઆરીએ કર્તવ્ય પથ, ભારત મંડપમ નવી દિલ્લી ખાતે, પોતાના વિચારો રજૂ કર્યા હતા.
અત્રે ઉલેખ્ખનીય છે કે, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, ગાંધીનગર દ્વારા યુથ પાર્લિયામેન્ટ, ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા જેવા યુવાનોના ઉત્કર્ષ માટે કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં ગુજરાતના મોટા ભાગના યુવાનો મોટી સંખ્યામાં જોડાય છે.
આ પણ વાંચો :- રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર, સરકારે e-KYC ની તારીખ લંબાવી, જાણો હવે ક્યાં સુધી કરી શકાશે