આ હુમલા સાંપ્રદાયિક નહીં પણ રાજનીતિક છે, નફ્ફટ યુનુસ સરકારનું ચોંકાવનારૂ નિવેદન
ઢાકા, 12 જાન્યુઆરી : બાંગ્લાદેશની યુનુસ સરકારે શનિવારે એક પોલીસ અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે 4 ઓગસ્ટ, 2024 પછી દેશમાં લઘુમતીઓ સામે હુમલા અને તોડફોડની મોટાભાગની ઘટનાઓ કોમી નહીં, પરંતુ રાજકીય પ્રકૃતિના હતા. બાંગ્લાદેશ પોલીસે લઘુમતી સમુદાય સાથે સંપર્ક જાળવી રાખવા અને સાંપ્રદાયિક હિંસાની સીધી ફરિયાદો મેળવવા માટે એક WhatsApp નંબર જારી કર્યો છે.
વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની પ્રેસ વિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદે દાવો કર્યો હતો કે આરોપીઓએ અનામત વિરોધી આંદોલન વચ્ચે ગયા વર્ષે 5 ઓગસ્ટે દેશ છોડી દીધો હતો તે પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. વડાપ્રધાન શેખ હસીનાની વિદાયના આગલા દિવસથી આ વર્ષે 8 જાન્યુઆરી સુધીમાં સાંપ્રદાયિક હિંસાની 2,010 ઘટનાઓ નોંધાઈ છે.
નિવેદન અનુસાર, આ ઘટનાઓમાંથી 1,769 હુમલા અને તોડફોડ સાથે સંબંધિત છે, પોલીસે દાવાઓના આધારે અત્યાર સુધીમાં કુલ 62 કેસ નોંધ્યા છે અને તપાસના આધારે ઓછામાં ઓછા 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જો કે, નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના કેસોમાં હુમલાઓ સાંપ્રદાયિક પ્રકૃતિના નહોતા, પરંતુ રાજકીય રીતે પ્રેરિત હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 1,234 ઘટનાઓ ‘રાજકીય પ્રકૃતિની’ હતી, 20 ઘટનાઓ સાંપ્રદાયિક હતી અને ઓછામાં ઓછા 161 દાવા ખોટા અથવા કપટપૂર્ણ હતા.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં, બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત અન્ય લઘુમતી સમુદાયો પર ઘણા હુમલાઓ થયા છે અને તેમના ઘરો અને ધાર્મિક સ્થળો પર તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની છે. ભારતે આ ઘટનાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો :- SpaDeX મિશન : ISROની મોટી સફળતા, ડોકિંગ ટ્રાયલ પૂર્ણ, બંને ઉપગ્રહો નજીક પહોંચ્યા, જૂઓ વીડિયો