મહાકુંભમાં જાપાનથી આવેલા યોગમાતા કીકો એકાવા બન્યા ચર્ચાનું કેન્દ્ર
- યોગમાતા કીકો એકાવા પ્રથમ મહિલા સિદ્ધ ગુરુ અને શાંતિ આધ્યાત્મિકતાના પ્રતીક છે. મહાકુંભમાં તેમની હાજરી મહાયોગ પાયલટ બાબાના વારસાને આગળ લાવવાનું કામ કરી રહી છે
HD ન્યુઝ ડેસ્કઃ પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રયાગરાજના મહાકુંભમાં કરોડો લોકો આવવાની શક્યતાઓ છે. મહાકુંભમાં ઘણા સમયથી સાધુ-સંતો અને ભક્તોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. તમામ સંતો અનોખા છે અને ચર્ચાના કેન્દ્રમાં રહે છે, પરંતુ હાલમાં મહાકુંભમા જાપાનથી આવેલા યોગમાતા કીકો એકાવાના નામની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે યોગમાતા કીકો એકાવા પ્રથમ મહિલા સિદ્ધ ગુરુ અને શાંતિ આધ્યાત્મિકતાના પ્રતીક છે. મહાકુંભમાં તેમની હાજરી મહાયોગ પાયલટ બાબાના વારસાને આગળ લાવવાનું કામ કરી રહી છે.
મેળવી ચૂક્યા છે અનન્ય સિદ્ધિઓ
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024માં મહાયોગી પાયલટ બાબાએ મહાસમાધિ લીધી હતી. ત્યારબાદ યોગમાતા કીકો એકાવાએ તેમના આધ્યાત્મિક મિશનની જવાબદારી લીધી અને તેને આગળ વધારવાનું કામ કર્યું હતું. તેમની યોગ ચેતનાના કારણે દુનિયાભરમાં તેમને અનન્ય સિદ્ધિઓ મળી છે. જો આપણે તેમની સિદ્ધિઓની વાત કરીએ તો તે પ્રથમ મહિલા છે જેણે 96 કલાક સુધી બંધ ભૂગર્ભ ચેમ્બરમાં જાહેર સમાધિ લીધી હતી. વર્ષ 2007માં જુના અખાડાના મહામંડલેશ્વર તરીકે તેમની વૈશ્વિક ખ્યાતિ મળી અને આધ્યાત્મિક નેતા તરીકે તેમની ઓળખ પણ વિકસી.
PM નરેન્દ્ર મોદીને યોગમાતાએ આપ્યા હતા આશીર્વાદ
યોગમાતા કીકો એકાવા અને પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત પણ ઘણી વખત થઈ ચૂકી છે. પીએમ નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં વર્ષ 2023માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને વર્ષ 2016માં પણ તેઓ પીએમ નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત અને જાપાન વચ્ચે સુમેળભર્યા સંબંધો માટે પ્રાર્થના કરી હતી. મહાકુંભ 2025માં યોગમાતાની હાજરી આધ્યાત્મિક માર્ગદર્શનનું પ્રતીક બનશે. તે મહાકુંભમાં ધ્યાન સત્રોનું આયોજન અને નેતૃત્વ કરશે. આ ઉપરાંત તે ભક્તો અને શ્રદ્ધાળુઓ સાથે હિમાલયી સિદ્ધ પરંપરાના ઉપદેશોનો પ્રચાર પણ કરશે.
આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદીને મળી મહાકુંભ મેળા-2025નું આમંત્રણ આપતા CM યોગી આદિત્યનાથ
આ પણ વાંચોઃ પ્રયાગરાજમાં મહાકુંભ બાદ આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે ભરાશે?