રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક વર્ષ માટે મેન્ટર બનશે આ મહાપાલિકાઓ
- રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઈ
- નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને રૂ. 20 કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કાર્યો માટે અપાશે
ગાંધીનગર, 11 જાન્યુઆરી, 2025: રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની કામગીરીનાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે. આજે 11 જાન્યુઆરીને શનિવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે નવરચિત મહાનગરપાલિકાઓની એક દિવસની કાર્યશાળા પણ યોજાઈ હતી. આ દરમિયાન મુખ્યપ્રધાને નવી મહાપાલિકાઓના ઉદ્દેશ તથા તેમના વિકાસ માટેની સરકારની યોજના વિશે વિસ્તારથી વાત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ઇતિહાસમાં એક સાથે ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓ તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના કમિશનરો, વહીવટદારો તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી એક દિવસીય કાર્યશાળાને સંબોધી રહ્યા હતા.
નોંધપાત્ર છે કે આ નવરચિત મહાનગરપાલિકાઓને મહાપાલિકા તરીકેની કામગીરી શીખવવા માટે રાજ્યની હાલની સ્થાપિત મહાપાલિકાઓને મેન્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતા વૃદ્ધિ તેમજ રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને ૧ વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર,
અમદાવાદ મહાપાલિકા – નડિયાદ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કામગીરી કરશે.
સુરત – વાપી અને નવસારી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કામગીરી કરશે.
વડોદરા – આણંદ મહાનગરપાલિકાના મેન્ટર તરીકે કામગીરી કરશે.
રાજકોટ – મોરબી અને ગાંધીધામ મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કામગીરી કરશે.
જામનગર – પોરબંદર મહાનગરપાલિકાના મેન્ટર તરીકે કામગીરી કરશે.
ગાંધીનગર – મહેસાણા મહાનગરપાલિકાના મેન્ટર તરીકે કામગીરી કરશે.
મુખ્યપ્રધાને ઉમેર્યું કે, લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે. એટલું જ નહિ, તેમને આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરી છે. આ મહાનગરપાલિકાઓનું નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું છે એટલે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિશ્ચિત કરવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.
મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને સ્પષ્ટ દેખાઈ આવે તેવો બદલાવ રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઈટ તથા બાગ-બગીચા જેવા સુવિધાકારી કામોથી હાથ ધરવાનું દાયિત્વ નવનિયુક્ત કમિશનરોએ નિભાવવાનું છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે નવી મહાનગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસનો રોડ મેપ તૈયાર કરે. એટલું જ નહિ, વિકાસ કામો માટે નાણાંની જરૂરિયાત અંગે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરે. વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી ક્યારેય ન રહે તેવું નાણાં વ્યવસ્થાપન વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતે કરેલું છે.
મુખ્યમંત્રીએ નવી રચાયેલી પ્રત્યેક મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થનીંગ તથા અન્ય સુવિધાઓ માટે રૂ.10 કરોડ અને શહેરી સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કામો માટે રૂ.10 કરોડ મળીને કુલ 20 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી પણ આ તકે આપી હતી.
તેમણે કહ્યું કે, આ મહાનગરપાલિકાઓમાં વિકાસ કામોની સ્પર્ધા થાય. ઉપરાંત શહેરી જન સુખાકારી કામો માટે નાગરિકોની અપેક્ષા સંતોષાય તેવું વાણી-વર્તન-વ્યવહાર પણ નવી ટીમ પાસે અપેક્ષિત છે. તેમણે આ નવ મહાનગરપાલિકાઓ રાજ્યના શહેરી વિકાસને નવી ઊંચાઈ આપીને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં પણ યોગદાન આપશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ એક દિવસીય કાર્યશાળામાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જનરલ આઈ. પી. ગૌતમે શહેરોના ભવિષ્યલક્ષી આયોજન અને વિકાસ સંભાવનાઓ વિશે માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું. શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસને ગતિ આપતા ત્વરિત નિર્ણયો કર્યા છે. કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડ્મિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલે સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા.
આ પણ વાંચોઃ બોલિવૂડ સિંગર્સ પણ મહાકુંભમાં પોતાના સૂર રેલાવશે, મંત્રાલયે જારી કરી યાદી
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD