મકરસંક્રાંતિ બાદ ફરી સંભળાશે શરણાઈના સૂર, વસંત પંચમીએ વણજોયુ મુહૂર્ત
- 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ બાદ જાન્યુઆરીમાં લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. આ શુભ સમય દરમિયાન લગ્ન સહિત માંગલિક પ્રસંગોનો આયોજનો કરવામાં આવશે
HD ન્યુઝ ડેસ્કઃ મકરસંક્રાંતિના દિવસે કમુર્તાની સમાપ્તિ બાદ ફરી એક વાર શરણાઈના સૂર સાંભળવા મળશે એટલે કે લગ્નોની સીઝન ફરી એકવાર જામશે. 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ બાદ જાન્યુઆરીમાં લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. આ શુભ સમય દરમિયાન લગ્ન સહિત માંગલિક પ્રસંગોનો આયોજનો કરવામાં આવશે. મકરસંક્રાંતિના તહેવારને લઈને ઘર અને બજારોમાં તૈયારીઓ ચાલી રહી છે. માન્યતા અનુસાર મકરસંક્રાંતિ પર તલ અને તલમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધનરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. કમુર્તામાં એક મહિના માટે પ્રતિબંધિત લગ્નો અને માંગલિક પ્રસંગો ફરી એક વાર શરૂ થશે. આસપાસમાં તમને શરણાઈના સૂર સંભળાશે.
કમૂર્તા 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવાર સાથે સમાપ્ત થશે. આ દિવસે માન્યતાઓ અનુસાર પૂજા, હવન, દાન વગેરે ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવશે. મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્ત્વ છે. તલ, ગોળ અને ખીચડી ધાનના દાનની વિશેષ માન્યતા છે. પદ્મ પુરાણ અનુસાર મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વખતે મકરસંક્રાંતિ વ્યાઘ્ર (વાઘ) પર સવાર થઈને આવશે. સંક્રાંતિનું ઉપવાહન ઘોડો રહેશે.
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ
સૂર્ય 12 રૂપ ધારણ કરીને 12 મહિનામાં 12 રાશિઓમાં ગોચર કરે છે. તેના ગોચરથી સંક્રાંતિ થાય છે. એટલે કે સૂર્યના ગોચરને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. સનાતન ધર્મનો આ મુખ્ય તહેવાર છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજાનું વિશેષ મહત્ત્વ છે.
જાન્યુઆરીમાં લગ્નના શુભ મુહૂર્ત
જાન્યુઆરીમાં લગ્નના અનેક શુભ મુહૂર્ત છે. જાન્યુઆરી મહિનામાં 16,18,21,22 અને 23 જાન્યુઆરી લગ્ન માટે શુભ છે. જ્યારે ફેબ્રુઆરીમાં 2, 6, 7, 8, 13, 14, 18, 20, 21 અને 25 તારીખ લગ્ન માટે શુભ છે. વસંત પંચમીના વણજોયા શુભ મુહૂર્તમાં મોટી સંખ્યામાં લગ્નો થશે.
આ પણ વાંચોઃ વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ ક્યારે? જાણો ટાઈમિંગ અને સૂતક કાળ સહિત જરૂરી વાતો
આ પણ વાંચોઃ પ્રયાગરાજમાં મહાકુંભ બાદ આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે ભરાશે?