બનાસકાંઠામાં લમ્પીના નવા 1076 કેસ, 11 ગાયના મોત
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે. આ વાયરસ હવે અન્ય ગામોમાં પણ પ્રસરી રહ્યો છે. જેમાં 1076 નવા કેસ સામે આવ્યા છે. અને વધુ 12 ગામોના પશુઓમાં સંક્રમણ પહોંચ્યું છે. જ્યારે 11 ગાયોના મોત નિપજયા છે. જેથી જિલ્લામાં કુલ 181 પશુઓના મોત થયા છે. સૌથી વધુ લમ્પી વાયરસનો શિકાર સુઈગામ, ધાનેરા અને થરાદ તાલુકાના પશુઓમાં જોવા મળ્યો છે. જ્યારે સુઈગામ તાલુકાના જલોયા ગામમાં પણ પશુઓની હાલત દયનિય બની છે. આ વિસ્તારમાં પશુપાલન વિભાગે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાની પશુપાલકોમાં બુમ ઉઠી છે. જ્યારે લમ્પી વાયરસને નાથવા માટે પશુપાલન વિભાગ અને બનાસ ડેરી દ્વારા સંયુક્ત પ્રયાસો કરીને 199 ગામોમાં રોગચાળાને નિયંત્રણમાં લાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં કુલ 8121 ગાયો સંક્રમિત,નવા 12 ગામમાં લમ્પી વાયરસ ફેલાયો
હાલમાં 410 ગામોના પશુઓ લમ્પી સ્કીન ડીસીઝમાં સપડાયા છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં 9.20 લાખ પશુઓને વેક્સિન આપવામાં આવી છે. જ્યારે 3158 ગાયોને સંપૂર્ણ રીતે સાજી કરવામાં આવી છે. પરંતુ લમ્પી વાયરસને લઈને પશુ પાલકોમાં હજુ પણ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, કેટલાક પશુપાલકોનો પોતાના પરીવારનો જીવન નિર્વાહ પશુઓના દૂધના વ્યવસાય દ્વારા ચાલી રહ્યો છે. તેવા પરિવારોના પશુઓ લમ્પી વાયરસનો ભોગ બનતા આજીવિકા કેમ નિભાવી અને પરિવારનું પોષણ કેમ કરવું તે પ્રશ્ન થઈ ગયો છે.