અમદાવાદ: AMCમાં 3 વર્ષ સુધી એક જ જગ્યાએ ફરજ બજાવનારાની બદલી થશે
- એક જ જગ્યા ઉપર ફરજ બજાવનારા તમામની બદલી
- મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડ
- તમામ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે
અમદાવાદ AMCમાં 3 વર્ષ સુધી એક જ જગ્યાએ ફરજ બજાવનારાની બદલી થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસ દ્વારા ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીમાં કૌભાંડ કરવામાં આવ્યા પછી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિ.તંત્રમાં ત્રણ વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવનારા તમામની બદલી કરવા ઠરાવ કરવામા આવતા તમામ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
કર્મચારીઓ અને અધિકારીઓની સાગમટે બદલી કરવાનો ઠરાવ કર્યો
ભરતીકાંડને પગલે ભાજપની પ્રતિષ્ઠા ખરડાઈ હોવાનુ માનતા મ્યુનિ. સત્તાધારી પક્ષના હોદ્દેદારોએ મોવડીમંડળની સલાહ લઈને કર્મચારીઓ અને અધિકારીઓની સાગમટે બદલી કરવાનો ઠરાવ કર્યો છે. આ ઠરાવમાં બદલી કરાયેલા કર્મચારી-અધિકારીને છ વર્ષ સુધી તેની અગાઉની જગ્યાએ હાજર કરી શકાશે નહીં તેવી જોગવાઈ પણ કરવામા આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડ
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઈઝર ભરતીકાંડ પછી ફાયર વિભાગ માટે કરવામા આવેલી ભરતી સામે પણ પરીક્ષા આપનારા ઉમેદવારો દ્વારા ફેર વિચારણા કરવા અને રીઝલ્ટ તપાસવા મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્ર લખવાની સાથે મેલ પણ કર્યા છે. ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, વહીવટીતંત્રમાં એકની એક જગ્યા ઉપર ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના કારણે સાંઠગાંઠ મજબૂત બને છે જેની કામકાજ ઉપર અસર પહોંચે છે.
આ પણ વાંચો: ગુજરાત: નાના બાળકોના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો