ગુજરાત: શાળા માટે સ્કૂલ બેગ અને અભ્યાસક્રમ અંગે ગાઇડલાઇન જાહેર, પણ અમલ ક્યારે!
- સ્કૂલ બેગના વજન અંગે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન છે
- ધોરણ પ્રમાણે સ્કૂલ બેગનું વજન નક્કી કરાયેલું છે
- ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું
ગુજરાતમાં શાળા માટે સ્કૂલ બેગ અને અભ્યાસક્રમ અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે પણ અમલ ક્યારે! વિદ્યાર્થીઓને ભણતરનો ભાર લાગી રહ્યો છે. જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારે સ્કૂલ બેગ-અભ્યાસ અંગે નિયમો બનાવ્યા પરંતુ અમલ કરવામાં આવતો નથી.
– પ્રી પ્રાયમરીમાં કોઈ બેગ નહીં
– ધો. 1 અને 2માં 1.6થી 2.2 kg
– ધો. 3થી 5માં 1.7થી 2.5 kg
– ધો. 6થી 7માં 2થી 3 kg
– ધો. 8થી 10માં 2.5થી 4.5 kg
– ધો. 11 અને 12માં 3.5થી 5 kg
ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું
અમદાવાદ શહેરના થલતેજ-બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. ધો.3ની વિદ્યાર્થિની ગાર્ગી રાણપરાને અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ત્યારબાદ તે લોબી પરની ખુરશી પર બેસી ગઈ હતી. પછી થોડી ક્ષણોમાં જ તે ઢળી પડી હતી. આસપાસમાં હાજર મહિલાઓ અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
ધો.3માં ભણતી વિદ્યાર્થિની સ્કૂલ બેગ લઈને જતી જોવા મળી
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જાહેર થયા છે. તેમાં ધો.3માં ભણતી વિદ્યાર્થિની સ્કૂલ બેગ લઈને જતી જોવા મળી રહી છે. ત્યારે હવે આ ઘટના બાદથી સ્કૂલ બેગના ભારણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આજથી 7 વર્ષ પહેલાં કેન્દ્ર અને રાજ્ય સરકારે સ્કૂલ બેગ અને અભ્યાસક્રમ અંગે નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. તેમ છતાં હજુ તેનો કડકાઈથી અમલ થતો જોવા મળી રહ્યો નથી. વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે હજુ પણ સ્કૂલ બેગનો ભાર ઘટાડવાની વાતો સાંભળવા મળે છે.
ધોરણ પ્રમાણે સ્કૂલ બેગનું વજન નક્કી કરાયેલું છે
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દેશની તમામ સ્કૂલોમાં ભણતાં ધો.1થી 10ના બાળકો માટે ધોરણ પ્રમાણે સ્કૂલ બેગનું વજન નક્કી કરાયેલું છે. આ અંગેનો પરિપત્ર વર્ષ 2018માં તમામ રાજ્યોને મોકલી તેનો ચુસ્ત અમલ કરવા આદેશ કરાયો હતો.