અમદાવાદ: ઉત્તરાયણને લઈ પોલીસે જાહેર કર્યા નિયમો
- ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયુ
- માર્ગ ઉપર દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ
- કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગમાં પતંગ નહીં ચગાવી શકે
અમદાવાદમાં ઉત્તરાયણને લઈ પોલીસે નિયમો જાહેર કર્યા છે. તેમાં રસ્તા પર દોડીને પતંગ પકડી શકાય નહીં. કારણ કે ઉત્તરાયણના દિવસે જાનહાનિ તેમજ અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળતો હોય છે. જે આ વર્ષે ન બને અથવા નહિવત્ બને તે માટે અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગમાં પતંગ નહીં ચગાવી શકે
કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગમાં પતંગ નહીં ચગાવી શકે, તેમજ રોડ ઉપર પતંગ પકડવા માટે દોડાદોડી નહીં કરવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે શહેરમાં ઉત્તરાયણના તહેવારના અનુસંધાને તારીખ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2025 સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર અન્ય વ્યક્તિને ઈજા થાય અથવા ભય પમાડે તે રીતે પતંગ ઉડાડી શકશે નહીં.
માર્ગ ઉપર દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ
આ સિવાય જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જે પણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવશે તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ સજા કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં, જાણો કયા કેટલો રહ્યો તાપમાનનો પારો